21 January, 2025 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બેઠકની તસવીર
મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી ટકશે કે નહીં એને લઈને ચાલી રહેલા તર્કવિતર્ક વચ્ચે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે શરદ પવારના મુંબઈના સિલ્વર ઓક બંગલે પહોંચ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે દોઢ કલાક બેઠક થઈ હતી. આ સમયે સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પણ હાજર હતા. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની આગામી સ્થાનિક સ્વરાજ્ય, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીની રણનીતિ બાબતે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આવતી કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે એને ધ્યાનમાં રાખીને આ બેઠક કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સરપંચ સંતોષ દેશમુખ અને સોમનાથ સૂર્યવંશીના હત્યારાઓને કડક શિક્ષાની માગણી સાથે ૨૫ જાન્યુઆરીએ મુંબઈમાં જનઆક્રોશ મોરચો કાઢવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.