27 June, 2025 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અંબરનાથ-વેસ્ટના નાલિંબી ગામ નજીક ૨૯ મેએ સવારે માથા વગરનો એક પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ રહસ્યમય કેસની તપાસ કરતાં કલ્યાણ ગ્રામીણ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે મૃત્યુ પામેલા ફૈઝલ અન્સારીના સાવકા ભાઈ સલમાન મોહમ્મદ અન્સારીની ધરપકડ કરી છે.
આ હત્યા મિલકતના વિવાદમાં થઈ હોવાનું સામે આવ્યું છે. કલ્યાણ ગ્રામીણ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાલા કુંભારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૯ મેએ વહેલી સવારે નાલિંબી અંબરનાથ રોડ પર નિર્જન જંગલમાં એક અજાણ્યા પુરુષનો માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. તાત્કાલિક અમે હત્યાનો કેસ નોંધીને તપાસ ઝડપી બનાવી હતી. ઘટનાસ્થળની નજીકના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ, મૃતદેહની ઓળખ માટેના ટેક્નિકલ પ્રયાસો અને સોશ્યલ મીડિયા દ્વારા માહિતી શોધવામાં આવી હતી. આ દરમ્યાન ઘટનાસ્થળ નજીક એક કાર શંકાસ્પદ રીતે મળી આવી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે આ કાર સલમાન મોહમ્મદ અન્સારીની હતી જેના આધારે સલમાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી. મૃત્યુ પામેલી વ્યક્તિ તેનો સાવકો ભાઈ ફૈઝલ અન્સારી હોવાનું કહીને મિલકતના વિવાદમાં હત્યા કરવામાં આવી હોવાની માહિતી તેણે અમને આપી હતી એટલું જ નહીં, અમને ગેરમાર્ગે દોરવા માટે તેણે ફૈઝલના શરીરનું માથું ધડથી અલગ કરી દીધું હતું.’