13 January, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયેલા NCPના સદાશિવ પાટીલ સાથે શિવસેનાના સંસદસભ્ય ડૉ. શ્રીકાંત શિંદે.
અંબરનાથ સુધરાઈમાં ગઈ કાલે ઉપાધ્યક્ષને ચૂંટી કાઢવા રાજ્યકક્ષાએ મહાયુતિના સાથી પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની શિવસેનાના નગરસેવકો વચ્ચે જોરદાર ઉગ્ર દલીલો થયા બાદ મામલો બિચક્યો હતો અને એમાં પણ શિવસેનાને અજિત પવારની NCPએ ટેકો જાહેર કરતાં NCPના સદાશિવ પાટીલને ૩૨ મત મળ્યા હતા અને તેમની જીત થઈ હતી. એ પછી ઉશ્કેરાઈ ગયેલા BJPના નગરસેવકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. ઉશ્કેરાયેલાં BJPનાં મહિલા સભ્યે અશ્ળીલ નારા લગાવ્યા હતા અને ચંપલ પણ દેખાડ્યું હતું.
અંબરનાથ પરિષદમાં કુલ ૬૦ નગરસેવક છે. એમાં BJPના ૧૪ નગરસેવક હતા, જેમાં કૉન્ગ્રેસના ૧૨ નગરસેવક ભળી ગયા એટલે તેમની સંખ્યા ૨૬ પર પહોંચી ગઈ. એક અપક્ષ નગરસેવક અને NCPના ૪ એમ મળીને તેમની સંખ્યા ૩૧ પર પહોંચી હતી. ગઈ કાલે ઉપાધ્યક્ષની ચૂંટણી હતી એના આગલા દિવસે વ્હિપ પણ બજાવવામાં આવ્યો હતો. જોકે છેક છેલ્લી ઘડીએ અજિત પવારની NCPના ૪ નગરસેવકોએ એકનાથ શિંદેની શિવસેનાની અંબરનાથ મહાયુતિને સપોર્ટ કર્યો એટલે શિવસેના-NCP જીતી ગઈ હતી. શિવસેનાના ૨૮ નગરસેવક હતા એમાં અજિત પવાર જૂથના ૪ નગરસેવક ભળતાં તેમની સંખ્યા ૩૧ પર પહોંચી ગઈ હતી. ઉપાધ્યક્ષની આ ચૂંટણીમાં NCPના સદાશિવમામા પાટીલને ૩૨ મત મળ્યા હતા, જ્યારે BJPની અંબરનાથ વિકાસ આઘાડીના પ્રદીપ પાટીલને ૨૮ જ મત મળ્યા હતા.