14 January, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અલાયન્સ ઍરની મુંબઈથી દીવની ફ્લાઇટ રવિવારે અને ગઈ કાલે પણ અચાનક કૅન્સલ કરવામાં આવી હોવાને લીધે લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈથી દીવ માટેની ફ્લાઇટ બપોરના ૩.૦૫ વાગ્યાની છે. રવિવારે આ ફ્લાઇટનું બુકિંગ કરાવનારાઓ ઍરપોર્ટ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને ૧૧.૩૦ વાગ્યે ફ્લાઇટ એક કલાક મોડી હોવાનો મેસેજ અલાયન્સ ઍર તરફથી મોકલવામાં આવ્યો હતો. એ પછી ૧૨.૩૦ વાગ્યે લોકોને બીજો મેસેજ મળ્યો હતો કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
આને લીધે જે લોકો માટે સૌરાષ્ટ્ર જવાનું જરૂરી હતું એ લોકોએ ૭૫૦૦ રૂપિયામાં મુંબઈથી રાજકોટની ફ્લાઇટ લઈને સૌરાષ્ટ્ર જવું પડ્યું હતું. તેમણે મુંબઈથી દીવની ફ્લાઇટ ૪૫૦૦ રૂપિયામાં બુક કરાવી હતી. રવિવારની જેમ ગઈ કાલે પણ મુંબઈ-દીવની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. અલાયન્સ ઍરના કસ્ટમર કૅરમાં સંપર્ક કરવામાં આવતાં ઑપરેશનલ એટલે કે ફ્લાઇટના સંચાલનમાં મુશ્કેલી ઊભી થવાને લીધે ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. અલાયન્સ ઍર હવે ઍર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જ થઈ ગઈ છે.
માટુંગામાં રહેતા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ મહેતાએ તેમનાં પત્ની સહિત મુંબઈથી દીવ જવા માટે અલાયન્સ ઍરની ૧૨ જાન્યુઆરીની ત્રણ ટિકિટ ૨૦૨૪ની ૭ નવેમ્બરે બુક કરાવી હતી. રવિવારે હરેશભાઈ મુંબઈના ઍરપોર્ટ પર જવાની તૈયારીમાં હતા ત્યારે તેમને પહેલાં ફ્લાઇટ મોડી હોવાનો અને પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાનો મેસેજ મળ્યો હતો.
હરેશ મહેતાએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલામાં અમારી સંસ્થા દ્વારા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નામની નિઃશુલ્ક હૉસ્પિટલ ચલાવવામાં આવે છે. ૧૬ જાન્યુઆરીએ આ હૉસ્પિટલને ૧૦ વર્ષ થાય છે એટલે આ દિવસે દશાબ્દી મહોત્સવની સાથે હૉસ્પિટલના નવા બિલ્ડિંગના ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે અમે મુંબઈથી દીવની રવિવારની ત્રણ ટિકિટ ગયા વર્ષે ૭ નવેમ્બરે ઍડ્વાન્સમાં બુક કરાવી હતી. અલાયન્સ ઍરે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કૅન્સલ કરી હતી. અમારે સાવરકુંડલા જવું જરૂરી હતું એટલે નાછૂટકે મુંબઈથી રાજકોટની ફ્લાઇટ પકડીને જવું પડ્યું છે. આ માટે ટિકિટદીઠ અમારે ત્રણ હજાર રૂપિયા વધુ ચૂકવવા ઉપરાંત હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. દીવથી સાવરકુંડલા ૯૦ કિલોમીટર તો રાજકોટથી સાવરકુંડલા ૧૬૦ કિલોમીટર અંતર પર છે. આથી અમારે કાર માટે પણ વધુ રૂપિયા આપવા પડ્યા. સાવરકુંડલાના કાર્યક્રમમાં મુંબઈથી અનેક લોકો જવાના હતા એટલે તેમણે પણ દીવની ફ્લાઇટનું બુકિંગ કરાવ્યું હતું. અમારા ધ્યાનમાં આવ્યું છે કે રવિવારની જેમ સોમવારે પણ ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી છે. આથી આ લોકો પણ અમારી જેમ પરેશાન થયા છે. ફ્લાઇટ કૅન્સલ કેમ કરવામાં આવી છે એ વિશે કસ્ટમર કૅરમાં પૂછવામાં આવતાં તેમણે તમને રીફન્ડ મળી જશે એવો જવાબ આપીને હાથ ઉપર કરી દીધા છે.’