આકાશવાણી મુંબઈના હંગામી ઉદ્ઘોષકોની ‘મન કી બાત’ સાંભળશે પીએમ મોદી?

01 September, 2022 05:00 PM IST  |  Mumbai | Rachana Joshi

છેલ્લા બે મહિનાથી બંધ છે સંવાદિતા ચેનલ : શ્રોતાઓ છે અજાણ : હંગામી ઉદ્ઘોષકોના પ્રશ્નોના નથી મળતા જવાબ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

સામાન્ય રીતે સમય સાથે વ્યક્તિ કે સંસ્થાની પ્રગતિ થતી હોય છે. ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ (All India Radio) ના કેસમાં આ માન્યતા ખોટી પડી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. આકાશવાણી ૧૦૦માં વર્ષની નજીક જઈ રહ્યું છે ત્યારે તેના મૂળ કપાઈ રહ્યાં છે. આકાશવાણીની પ્રાથમિક ચેનલ સંવાદિતા (Samvadita)નું અસ્તિત્વ જાણે નાશ થઈ રહ્યું છે. આકાશવાણી મુંબઈ કેન્દ્રની સંવાદિતા ચેનલ છેલ્લા બે મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. જેના પર આવતા ગુજરાતી, હિન્દી, ઉર્દુ, સિંધી કાર્યક્રમોનું પ્રસારણ બંધ થઈ ગયું છે. શ્રોતાઓને કોઈપણ બાબતની માહિતી આપ્યા વગર અને હંગામી ઉદ્ઘોષકોને સ્પષ્ટતા આપ્યા વગર ચેનલ બંધ કરાતા લોકો રોષે ભરાયા છે.

આકાશવાણી મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યમાં એકમાત્ર કેન્દ્ર એવું છે જેની સંવાદિતા ચેનલ પરથી ગુજરાતી કાર્યક્રમોનું પ્રસારણ થતું હતું.  સૌથી વધુ ગુજરાતી વસ્તી ધરાવતા રાજ્યમાં મહારાષ્ટ્ર દેશમાં બીજા નંબરે આવે છે. ત્યારે પ્રાઇમરી ચેનલ બંધ કરી દેતા અહીંના ગુજરાતીઓનો બહુ મોટો ફરક પડ્યો છે.

જુન મહિનાના અંતમાં હંગામી ઉદ્ધોષકોને એમ કહેવામાં આવ્યું હતું કે, સંવાદિતા ચેનલમાં અને તેના ટ્રાન્સમિશનમાં કેટલાક ફેરફાર કરવાના હોવાથી તેમજ કેન્દ્રએ પોલીસી બદલી હોવાથી ચેનલ લગભગ ત્રણ મહિના માટે બંધ કરવામાં આવે છે અને આગળ જે પણ હશે તે જણાવવામાં આવશે. જોકે, ચેનલ બંધ કરી રહ્યાં છે તેની જાણ શ્રોતાઓને કરવામાં જ નહોતી આવી.

એક હંગામી ઉદ્ઘોષકે નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે, ‘આકાશવાણીની સંવાદિતા ચેનલ પર ગુજરાતી, હિન્દી, ઉર્દુ, સિંધી, કન્નડ, કોંકણી એમ અનેક ભાષાના કાર્યક્રમો વર્ષોથી પ્રસારિત થતા આવ્યા છે. જેને આમ અચાનક બંધ કરી દેવા યોગ્ય જ નથી. ટ્રાન્સમિશન મશીન નવા બેસાડવા છે એવું બહાનું આપ્યુ પણ એ બહાનું સાચું હોય તે અમારા ગળે ઉતરતું જ નથી. આ પહેલા પણ ટ્રાન્સમિશન બદલવાનું કામ કર્યું છે. જે ચેનલ ચાલતી હતી ત્યારે જ થયું હતું. આમ અચાનક રાતોરાત ટ્રાન્સમિશન બંધ કઈ રીતે કરી શકાય? દાયકાઓથી ચાલી રહેલી ચેનલ બંધ કરવાની જાણ દસ દિવસ પહેલા પણ ન કરાય? સંવાદિતા ચેનલ પર સાંભળવા મળતા પ્રાચીન ભક્તિ સંગીત, સુગમ સંગીત વગેરેનો ખજાનો હવે ક્યા સાંભળશે લોકો? સાથે જ આમ અચાનક ચેનલ બંધ કરી દેવી તે હંગામી ઉદ્ઘોષકોના પેટ પર બહુ મોટી લાત છે.’

ચેનલ બંધ થવાની છે તે વિશે શ્રોતાઓને પણ કોઈ બાબતની જાણ કરવામાં જ નથી આવી. અચાનક પહેલી જુલાઈથી ચેનલ બંધ થઈ ગઈ. આ વિશે વિરારના એક શ્રોતા ભારતીબેન શાહ (નામ બદલેલ છે)એ જણાવ્યું કે, ‘સંવાદિતા ચેનલ બંધ થઈ જવાની છે તે વિશે અમને ખ્યાલ જ નથી. પજેલી જુલાઇએ સવારે રેડિયો શરુ કર્યો તો કંઈ સંભળાતુ જ નહોતું. એટલે મને થયું કે રેડિયો બગડ્યો હશે. એક-બે દિવસ રાહ જોઈ તો પણ દરરોજ કઈ સંભળાય નહીં. એટલે મેં રેડિયો રિપેર કરવાવાળાને ફોન કરીને બોલાવ્યો. તેણે કહ્યું કે બેન રેડિયો તો ચાલે જ છે એમાં કોઈ તકલીફ નથી. ત્યારબાદ આકાશવાણીમાં કેટલાય ફોન કર્યા ત્યારે ખબર પડી કે ચેનલ આવનારા થોડાક સમય માટે બંધ છે. પણ એ થોડોક સમય એટલે કેટલો એનો જવાબ કોઈ આપતું જ નથી.’

ચેનલ શરુ ક્યારે થશે તેનો જવાબ માંગવા ગત મહિને ગુજરાતી અને હિન્દીના હંગામી ઉદ્ઘોષકો આકાશવાણી મુંબઈના એડિશનલ ડિરેક્ટર જનરલ નીરજ અગ્રવાલને મળવા ગયા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, તમારી ફરિયાદ લખીને આપો અમે કેન્દ્ર સુધી પહોંચાડીશું. તે સમયે હંગામી ઉદ્ઘોષકોએ એક પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે, “સંવાદિતા ચેનલ મુંબઈની સૌથી જૂની ચેનલ છે અને તે ટૂંક સમયમાં તેના સો વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. સંવાદિતા ચેનલ એ એકમાત્ર ચેનલ છે જેના પર સમાચારની સાથે સથે વિવિધ માહિતી અને સુચનાઓ પ્રસારિત કરવામાં આવી છે. સંવાદિતા ચેનલ પશ્ચિમ પ્રદેશમાં એકમાત્ર ચેનલ છે જે બહુભાષી ચેનલ છે. જેના કારણે લઘુમતીઓના હિત માટે વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. આ ચેનલ બંધ થવાને કારણે ઉર્દૂ, કોંકણી, ગુજરાતી, સિંધી શ્રોતાઓને ભારે ફટકો પડ્યો છે. તેમજ ચેનલ પર બ્રૉડકાસ્ટ થતા રૂપક, સાંસ્કૃતિક કાર્યક્રમો, વાર્તાલાપ, યુવાવાણી, બાળકો અને મહિલાઓ માટેના કાર્યક્રમો, રામચરિત માનસ, શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, લોક સંગીત, ભક્તિ સંગીત ઉપરાંત માહિતીથી ભરપૂર કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવતું હતું તે બંધ થઈ ગયું છે. આ ચેનલ પરથી સમયાંતરે જનતાને ઉપયોગી સરકારી માહિતી પ્રસારિત કરવામાં આવતી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખીને ચેનલ સ્વેચ્છાએ ફરી શરુ કરવામાં આવે તેવા પ્રયત્નો કરો.”

હંગામી ઉદ્ઘોષકોએ લખેલો પત્ર

પરંતુ આ પત્રનો હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ બાબતે એડીજીનો સંપર્ક સાધવાનો અનેકવાર પ્રયત્ન કર્યો હતો પણ તે ઉપલબ્ધ નહોતા. આકાશવાણી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ‘મન કી બાત’ પ્રસારિત તો થાય છે પરંતુ ઉદ્ઘોષકોના મનની વાત તે ક્યારેય સાંભળશે એ બહુ મોટો પ્રશ્ન છે.

નોંધનીય છે કે, સંવાદિતા ચેનલ બહુ જલ્દી ૧૦૦ વર્ષ પુર્ણ કરવાની હતી. આ ચેનલ બંધ થઈ ગઈ ચે ટેલ જુના આર્કાઇવ્સ કાર્યક્રમો કઈ રીતે લોકો સુધી પહોંચશે તે મોટો પ્રશ્ન છે. તે સિવાય દર મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમનો અનુવાદ, ૧૪ ઑગસ્ટ અને ૨૫ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના ભાષણનો અનુવાદ, ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ વડાપ્રધાનના સંદેશનો અનુવાદ, ૨૫ જાન્યુઆરીએ બહુભાષી કવિ સમ્મેલન, રેલવે અને કેન્દ્રીય અંદાજપત્રનો વિશેષ કાર્યક્રમ આ બધુ માત્રને માત્ર સંવાદિતા ચેનલ પર સાંભળવા મળતું હતું તે હવે ક્યાં સાંભળવા મળશે!

mumbai mumbai news all india radio narendra modi