અકોલાનો ઉમેદવાર ૫૦૦૦ રૂપિયાનું ચિલ્લર લઈને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યો

01 January, 2026 09:15 AM IST  |  Akola | Gujarati Mid-day Correspondent

સિક્કાઓના રણકારથી આસપાસ ઊભેલા લોકો અને અન્ય ઉમેદવારોનું ધ્યાન પણ ખેંચાયું હતું

ઇલેક્શન-સ્ટાફ આ ચિલ્લરનો ઢગલો ગણતાં થાકી ગયો.

અકોલા મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે એક ઉમેદવાર સિક્યૉરિટી ડિપૉઝિટ તરીકે ૫૦૦૦ રૂપિયાનું ચિલ્લર લઈને પહોંચ્યો હતો. લોકતાંત્રિક જનાધાર પાર્ટીના ઉમેદવાર લક્ષ્મીકાંત અગ્રવાલે ઉમેદવારી નોંધાવવા માટે ઇલેક્શન-સ્ટાફના ટેબલ પર પાંચ અને દસ રૂપિયાના સિક્કા અને ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ અને ૫૦૦ની જૂની નોટોનો ઢગલો કર્યો હતો.

સ્ટાફને સિક્કાઓની ગણતરી કરવામાં ખૂબ જ મહેનત કરવી પડી હતી. સિક્કાઓના રણકારથી આસપાસ ઊભેલા લોકો અને અન્ય ઉમેદવારોનું ધ્યાન પણ ખેંચાયું હતું. લક્ષ્મીકાંત અગ્રવાલે કહ્યું કે ‘આ દરેક રૂપિયો લોકોએ આપ્યો છે. આ લોકોનું ધન છે. જો હું જીતીશ તો તેમના વિકાસ માટે પ્રામાણિકપણે કામ કરીશ.’

આ ઘટના સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. ૭૩ બેઠકોવાળી અકોલા મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે તીવ્ર સ્પર્ધા થવાની ધારણા છે જેમાં પક્ષો મતદારોને આકર્ષવા માટે આવા તમામ પ્રયાસો કરી રહ્યા છે.

mumbai news mumbai akola maharashtra news maharashtra bmc election