ધુમ્મસ હોવાથી વિઝિબિલિટી ઓછી હોવા છતાં લૅન્ડિંગની પરવાનગી કેમ અપાઈ?

01 March, 2026 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજિત પવારના નિધન માટે જવાબદાર પ્લેન-ક્રૅશની તપાસનો પ્રાથમિક અહેવાલ જાહેર થયો, એમાં પૂછવામાં આવ્યો સવાલ

પ્લૅન ક્રેશ

રાજ્યના ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારના ૨૮ જાન્યુઆરીએ પ્લેન-ક્રૅશમાં થયેલા અકસ્માતની સિવિલ એવિયેશન ડિપાર્ટમેન્ટના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા તપાસ કરાઈ રહી છે. એણે આપેલા પ્રિલિમિનરી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઘટના વખતે ત્યાં ધુમ્મસ છવાયેલું હતું અને વિઝિબિલિટી ઓછી હતી છતાં પ્લેનને લૅન્ડિંગની પરવાનગી કેમ અપાઈ? આમ વિઝ્યુઅલ ફલાઇટ રૂલ્સ (VFR)નું ઉલ્લંઘન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. એ સિવાય બારામતીના અનકન્ટ્રોલ્ડ ઍરફીલ્ડની સુરક્ષામાં ત્રુટિઓ હોવાનું જણાઈ આવ્યું છે. એ અકસ્માતમાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

CVR ડેટા મેળવ્યા પછી ફાઇનલ રિપોર્ટ આવશે

હાલ FDRમાંથી માહિતી મેળવવામાં આવી રહી છે. CVR ડેટા મેળવ્યા પછી ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. એ અહેવાલનાં તારણો અનુસાર વિમાન-સુરક્ષા નિયમોમાં સુધારો કરવામાં આવે અને અનકન્ટ્રોલ્ડ ઍરપોર્ટ પર ઑપરેશન્સ માટે નવી ગાઇડલાઇન્સ બનાવવામાં આવે એવી શક્યતા છે. 

અકસ્માત કઈ રીતે થયો?

મુંબઈથી બારામતી જવા નીકળેલી નૉનશેડ્યુલ્ડ/VIP ફ્લાઇટે બારામતી ઍરપોર્ટના રનવે ૧૧ પર  પહેલાં ઊતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ વખતે ગો અરાઉન્ડ કરવામાં આવ્યું. એ પછી બીજા પ્રયાસમાં પાઇલટે ફીલ્ડ ઇન સાઇટ રનવે દેખાઈ રહ્યો છે એમ જણાવ્યું હતું, જ્યારે ઍર કન્ટ્રોલ ટાવર મુજબ એ વખતે વિઝિબિલિટી ફક્ત ૩ કિલોમીટર હતી, નિયમ મુજબ એ વિઝિબિલિટી પાંચ કિલોમીટર હોવી જોઈતી હતી. લૅન્ડિંગ-પરમિશન મળ્યાની કેટલીક સેકન્ડોમાં જ વિમાન રનવેથી ૫૦ મીટર સાઇડ પર ખીણ વિસ્તારમાં પહેલાં એક ઝાડ સાથે અથડાયું અને પછી એમાં આગ લાગી અને એ પૂરી રીતે નષ્ટ થઈ ગયું હતું.

પ્રાથમિક રિપોર્ટના મુખ્ય મુદ્દા 

વિઝિબિલિટી વિઝ્યુઅલ ફ્લાઇટ રૂલ્સના નિયમો કરતાં ઓછી હોવા છતાં લૅ​ન્ડિંગનો પ્રયાસ કરાયો.

VIP/નૉન-શેડ્યુલ્ડ ફ્લાઇટ માટે અનકન્ટ્રોલ્ડ ઍરફીલ્ડ ઑપરેશન.

હવામાન અને મૂળભૂત નૅવિગેશનની સહાયતામાં કમી.

ઍરફીલ્ડ સુવિધાનાં અપૂરતાં સ્ટૅન્ડર્ડ.    

હવામાન અને ટેક્નિકલ બાબતો

બારામતીમાં ઑફિશ્યલી હવામાનને લગતો ડેટા ભેગો કરી, ઍનૅલિસિસ કરી એને લગતી માહિતી પ્લેનને આપતી સુવિધા નથી. 

ઉપગ્રહની ઇમેજ મુજબ એ વખતે એ વિસ્તારમાં હલકું ધુમ્મસ હતું.

પુણે અને મુંબઈમાં પણ ૨૦૦૦-૨૫૦૦ મીટરની વિઝિબિલિટી નોંધાઈ હતી.

બારામતી ઍરપોર્ટ પરની ત્રુટિઓ

રનવે પરનાં માર્કિંગ સહેલાઈથી દેખાય એવાં નથી.

રનવે પર બારીક ખડી મળી આવી.

રનવેને પૂરો કવર કરતી બાઉન્ડરી-વૉલ નથી.

ઍરપોર્ટ પર ફાયર-ફાઇટિંગની સુવિધા નથી.

ફક્ત VFR ઑપરેશન્સને પરવાનગી.

અનકન્ટ્રોલ્ડ ઍરફીલ્ડ, રેગ્યુલર ઍર-કન્ટ્રોલ ટાવર નથી.

બ્લૅક બૉક્સ

ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (FDR)નો ડેટા સફળતાપૂર્વક ડાઉનલોડ કરી શકાયો.

કૉકપિટ વૉઇસ રેકૉર્ડર (CVR)ને થર્મલ ડૅમેજ, એનો ડેટા રિટ્રીવ કરવા માટે નૅશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (USA)ની મદદ લેવામાં આવી રહી છે.

તપાસ હજી ચાલુ છે.

સુરક્ષા માટેની ભલામણો

ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવલ એવિયેશન (DGCA) દ્વારા VFR ઑપરેશન્સ પર કડક અમલ.

અનકન્ટ્રોલ્ડ ઍરફીલ્ડ પર હવામાન-સુવિધા અને લૅન્ડિંગ-અસિસ્ટન્સ વધારવામાં આવે.

રેગ્યુલર ઑડિટ અને લાઇસન્સનાં સ્ટૅન્ડર્ડ કડક રીતે ફૉલો કરવામાં આવે.

નૉનશેડ્યુલ્ડ/VIP ફ્લાઇટ માટેનાં સેફ્ટી સ્ટૅન્ડર્ડ્સ વધુ મજબૂત કરવામાં આવે.

પાઇલટનો અનુભવ, મેડિકલ-ટેસ્ટ

આ ફ્લાઇટના કૅપ્ટનને ૧૮,૮૫૫ કલાકનો ફ્લાઇટ ઉડાડવાનો અનુભવ હતો, જ્યારે ફર્સ્ટ ઑફિસરને ૨૪૯૦ કલાકનો અનુભવ હતો. બન્નેને બારામતીના અનકન્ટ્રોલ્ડ ઍરફીલ્ડનો અનુભવ હતો. તેમની બ્રેથ-ઍનૅલાઇઝર ટેસ્ટ નેગેટિવ આવી હતી, જ્યારે તેમનાં મૃત્યુનું કારણ મ​લ્ટિપલ ઇન્જરી વિથ બર્ન ઇન્જરી જણાવાયું છે.

બજેટસત્ર દરમ્યાન નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારનાં ખાતાં NCPના વરિષ્ઠ પ્રધાનો સંભાળશે

મહારાષ્ટ્રનાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર દ્વારા સંભાળવામાં આવેલાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, રમતગમત અને લઘુમતી બાબતોનાં ખાતાં સંબંધિત મુદ્દાઓના જવાબ આપવાની જવાબદારી રાજ્ય વિધાનસભાના ચાલુ બજેટસત્ર દરમ્યાન નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ પ્રધાનોને સોંપવામાં આવી છે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ હસન મુશરીફ અને રમતગમત/લઘુમતી બાબતો દત્તાત્રેય ભરણે સંભાળશે. આ નિર્ણય વિધાનસભા અને પરિષદમાં સંબંધિત પ્રમુખ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. ગયા મહિને તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ થયા પછી તેમના ફાઇનૅન્સ સિવાયનાં ખાતાં તેમનાં પત્ની સુનેત્રા પવારને ફાળવવામાં આવ્યાં હતાં.

mumbai news mumbai baramati ajit pawar plane crash