06 March, 2024 07:10 AM IST | Mumbai | Anil Patel
અજય દેવગન
બૉલીવુડ સ્ટાર અજય દેવગને એન્ટરટેઇનમેન્ટ, રિયલ્ટી પછી હવે શૅરબજારમાં પદાર્પણ કર્યું છે અને પ્રથમ સોદામાં જ તગડી કમાણી કરી લીધી છે. મુંબઈ ખાતેના પૅનોરમા સ્ટુડિયોઝનો શૅર ગઈ કાલે ૧૦૪૦ની ઑલટાઇમ હાઈ બનાવી પોણાચાર ટકા વધીને ૧૦૩૩ રૂપિયા બંધ થયો એમાં અજય દેવગનને એકાદ વીકમાં જ ૨૭૭ ટકાનું માતબર રિટર્ન મળી ગયું છે.
વાત જાણે એમ છે કે પૅનોરમા સ્ટુડિયોઝ તરફથી તાજેતરમાં ૨૯ ફેબ્રુઆરીએ પ્રેફરન્શિયલ ધોરણે નવ લાખ શૅરની ફાળવણી કરીને ૨૪૬૬ લાખ રૂપિયા ઊભા કરવામાં આવ્યા હતા. કુલ નવ એન્ટિટીઝને આ ફાળવણી કરવામાં આવી હતી, જેમાંથી અજય દેવગન એક છે. અજય દેવગનને શૅરદીઠ ૨૭૪ના ભાવે કુલ એક લાખ શૅર અલૉટ થયા છે. મતલબ કે ૨૭૪ લાખ રૂપિયાનું રોકાણ થયું, જેની વૅલ્યુ ગઈ કાલના બજારભાવે ૧૦૩૩ લાખ રૂપિયા થઈ ગઈ હતી.
મજાની વાત એ છે કે આ અલૉટમેન્ટ થયું એ દિવસે ૨૯ ફેબ્રુઆરીએ શૅરનો ભાવ ૯૦૯ રૂપિયા બંધ હતો, પણ પ્રેફરન્શિયલ અલૉટમેન્ટ શૅરદીઠ ૨૭૪ના ભાવે કરાયું હતું. બોલે તો બજારભાવથી ૭૦ ટકા જેવું ડિસ્કાઉન્ટ.
‘દૃશ્યમ’, ‘દૃશ્યમ 2’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરનારી પૅનોરમા સ્ટુડિયોઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની અગાઉ અપુન્કા ઇન્વેસ્ટ અને એ પૂર્વે ઍડ્માયર ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખાતી હતી. કંપનીએ ગયા વર્ષે ૩૭૧ કરોડની આવક પર ૩૫ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. ઇક્વિટી ૧૨ કરોડની છે, જેમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૩.૨ ટકા છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૪૯ રૂપિયા આસપાસ છે. વર્ષ પૂર્વે, ૨૦૨૩ની ૮ માર્ચે શૅરનો ભાવ ૯૧ના તળિયે હતો, એ ધોરણે એકાદ વર્ષમાં શૅર ૧૦૩૫ ટકા વધી ચૂક્યો છે. કંપનીએ ક્યારેય બોનસ કે ડિવિડન્ડ આપ્યું નથી કે નથી રાઇટ ઇશ્યુ કર્યો. ૨૦૧૮ની બીજી ફેબ્રુઆરીએ શૅરમાં ૧૨ રૂપિયાનો ભાવ થયો હતો, જે એની ઑલટાઇમ બૉટમ છે. કંપની માત્ર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ ખાતે જ લિસ્ટેડ છે.