25 January, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબ્રાની મુલાકાતે ગયેલા ઇમ્તિયાઝ જલીલ સાથે સહર શેખ. સહર શેખે માફી માગી છે એવો લેટર પોલીસે કિરીટ સોમૈયાને મોકલ્યો હતો.
મુંબ્રામાં ચૂંટણીનાં પરિણામ બાદ પોતાના ઉત્તેજિત ભાષણને કારણે ચર્ચામાં આવેલી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ની કૉર્પોરેટર સહર શેખે પોલીસ સમક્ષ તો માફી માગી પણ પછી પ્રેસ-કૉન્ફરન્સમાં ફેરવી તોળ્યું કે મેં તો માત્ર મારી વાતની સ્પષ્ટતા કરતું નિવેદન આપ્યું છે. ‘અમે મુંબ્રાને ગ્રીન બનાવી દઈશું’ જેવા તેના વિવાદાસ્પદ નિવેદનને કારણે મોટા પાયે વિરોધ અને ફરિયાદો થયા બાદ વધતા દબાણ અને કાયદાકીય કાર્યવાહીના ડરથી સહર શેખે મુંબ્રા પોલીસ-સ્ટેશનમાં હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે મારા નિવેદનનો હેતુ કોઈની લાગણી દૂભવવાનો કે શાંતિ ડહોળવાનો નહોતો, જો મારા શબ્દોથી કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો હું એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું અને જાહેરમાં માફી માગું છું.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાએ મુંબ્રા પોલીસ-સ્ટેશનની મુલાકાત લઈને સહર શેખ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
શું હતો સમગ્ર વિવાદ?
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામો બાદ ૧૮ જાન્યુઆરીએ મુંબ્રાના તન્વરનગર નાકા પર એક જાહેર સભાને સંબોધતાં AIMIMની કૉર્પોરેટર સહર શેખે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ભાષણનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ભારે હોબાળો મચ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દલ સહિત અનેક સંગઠનો અને લોકોએ આ નિવેદનને રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ ગણાવીને પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ ભાષણ દ્વારા મુંબ્રાના હિન્દુ સમુદાયમાં ભય ફેલાવવાનો અને સાંપ્રદાયિક તનાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે સહર શેખને નોટિસ આપીને પોલીસ-સ્ટેશનમાં સ્ટેટમેન્ટ નોંધાવવાનો આદેશ આપ્યો હતો.
પોલીસ-કાર્યવાહી અને માફીનામું
મુંબ્રા પોલીસે સહર શેખને નોટિસ આપીને પોલીસ-સ્ટેશન બોલાવી હતી અને તેનો વિગતવાર જવાબ નોંધ્યો હતો. એ પછી પોલીસે કિરીટ સોમૈયાને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે ‘સહર શેખે લેખિતમાં સ્પષ્ટતા કરી હતી કે મારું નિવેદન માત્ર મારા પક્ષના ધ્વજ અને પ્રતીક સંદર્ભે હતું, મારો હેતુ કોઈની લાગણી દૂભવવાનો કે વાતાવરણ ડહોળવાનો નહોતો, અમે તિરંગા માટે જીવીએ છીએ અને તિરંગા માટે મરીશું, છતાં જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું જાહેરમાં અને લેખિતમાં માફી માગું છું.’
ભવિષ્ય માટે કડક ચેતવણી
મુંબ્રા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સહર શેખે માફી માગતાં અત્યારે આ કેસમાં આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે તેને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ભવિષ્યમાં ફરી આવું કોઈ નિવેદન કરશે તો તારી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.’
ઇમ્તિયાઝ જલીલ આવ્યા મેદાનમાં
મુંબ્રામાં વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માગનાર સહર શેખના સમર્થનમાં AIMIMના સિનિયર નેતા ઇમ્તિયાઝ જલીલ ગઈ કાલે મુંબ્રા આવ્યા હતા અને તેમણે BJPને ખુલ્લો પડકાર ફેંકતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો લાવી દીધો હતો. ઇમ્તિયાઝ જલીલે સહર શેખની મુલાકાત લીધા બાદ આક્રમક નિવેદન આપ્યું હતું કે હું માત્ર મુંબ્રાને જ નહીં, સમગ્ર મહારાષ્ટ્રને ગ્રીન કરી દઈશ. જોકે એનો સંદર્ભ તેમણે પર્યાવરણ અને વિકાસ સાથે જોડ્યો હતો. ઇમ્તિયાઝ જલીલની હાજરીમાં સહર શેખના તેવર બદલાઈ ગયા હતા અને તેણે કહ્યું હતું કે મેં માફી નથી માગી.