ન્યુ યરની ઉજવણી પહેલાં પોલીસે વૉન્ટેડ આરોપીઓને પકડ્યા

31 December, 2023 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલા ઑપરેશનમાં તમામ પોલીસ સ્ટેશનોના ​સિનિયર ઇન્સ્પેક્ટરો, ૧૩ ડેપ્યુટી પોલીસ કમિશનરો અને ૪૧ અસિસ્ટન્ટ પોલીસ કમિશનરોએ ભાગ લીધો હતો

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં થર્ટીફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી પહેલાં જ પોલીસે જુગારના અડ્ડા અને દારૂની ગેરકાયદે દુકાનો પર રેઇડ પાડવા સાથે ડ્રગ પેડલરો વિરુદ્ધ પગલાં લેવાનું શરૂ કર્યું છે. ગઈ કાલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘પાંચ વિસ્તારોમાં ઑપરેશન હાથ ધરીને વૉન્ટેડ અને ભાગતા ફરતા ૨૩ લોકોને કસ્ટડીમાં લેવાયા છે. શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલા ઑપરેશનમાં તમામ પોલીસ સ્ટેશનોના ​સિનિયર ઇન્સ્પેક્ટરો, ૧૩ ડેપ્યુટી પોલીસ કમિશનરો અને ૪૧ અસિસ્ટન્ટ પોલીસ કમિશનરોએ ભાગ લીધો હતો. આ ઑપરેશન શનિવારે વહેલી સવાર સુધી ચાલ્યું હતું.

મુંબઈમાંથી તડીપાર કરેલા પાંચ આરોપીની મુંબઈમાં જ રહેવા માટે ધરપકડ કરવામાં આવી હતી. ગેરકાયદે હથિયાર ધરાવતા ૪૯ લોકો સામે પણ ઍક્શન લેવાઈ હતી. ૧૦૪ લોકો વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ ઍક્ટ હેઠળ ઍક્શન લેવાઈ હતી. પોલીસે ૯૫ જુગારના અડ્ડા અને ગેરકાયદે દારૂની દુકાનો પર રેઇડ પાડીને ૬૩ લોકોની ધરપકડ કરી હતી. અતિક્રમણ કરતા ૫૬૪ ફેરિયાઓ સામે પગલાં લેવા ઉપરાંત ૮૮૬ હોટેલ અને લૉજમાં પણ તપાસ કરવામાં આવી હતી.’

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘ટ્રાફિક પોલીસ દ્વારા ૧૧૨ સ્થળે નાકાબંધી અને ચેકપોસ્ટ ગોઠવીને ૭૯૬૪ વાહનોની તપાસ હાથ ધરાઈ હતી. ૧૮૦૬ જેટલાં ટૂ-વ્હીલરસવારને હેલ્મેટ વિના ઝડપી પાડ્યા હતા, ૬૩ લોકોને ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવમાં ઝડપ્યા હતા તેમ જ ૧૩૫૫ વિરુદ્ધ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.’

Crime News mumbai crime news mumbai police mumbai mumbai news