કોસ્ટલ રોડ પરના ઍક્સિડન્ટનો વાઇરલ વિડિયો જોયા બાદ પોલીસે સામે ચાલીને રૅશ ડ્રાઇવિંગનો ગુનો નોંધ્યો

06 March, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુહુના ૨૪ વર્ષના રિષભ અનેજા સામે વરલી પોલીસે આ ઘટનાનો વાઇરલ થયેલો વિડિયો જોયા બાદ સુઓ મોટો એટલે કે સામે ચાલીને ફરિયાદ નોંધી હતી

રેલિંગ સાથે અથડાયા બાદ BMW, પણ ડ્રાઇવરને કોઈ ઈજા થઈ નહોતી, પૂરઝડપે કાર ચલાવ્યા બાદ બ્રેક અપ્લાય કરતાં કાર ફરી ગઈ હતી.

કોસ્ટલ રોડ પર રવિવારે સવારે BMW કાર પરથી કાબૂ ગુમાવીને રેલિંગ સાથે અથડાવી દેનાર જુહુના ૨૪ વર્ષના રિષભ અનેજા સામે વરલી પોલીસે આ ઘટનાનો વાઇરલ થયેલો વિડિયો જોયા બાદ સુઓ મોટો એટલે કે સામે ચાલીને ફરિયાદ નોંધી હતી. અકસ્માતની આ ઘટના વિશે માહિતી આપતાં વરલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રવીન્દ્ર કાટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતની આ ઘટના રવિવારે સવારે ૧૧ વાગ્યે બની હતી. કોસ્ટલ રોડ પર સાઉથ મુંબઈથી વરલીની દિશામાં ૨૪ વર્ષનો રિષભ અનેજા પોતાની BMW કાર લઈને નીકળ્યો હતો. વધારે પડતી સ્પીડમાં જઈ રહેલા રિષભે એક કારને ઓવરટેક કર્યા બાદ એના પરથી કન્ટ્રોલ ગુમાવી દીધો હતો અને તેણે અચાનક જ બ્રેક મારી હતી. એથી કાર ૯૦ ડિગ્રી ફરીને રેલિંગ સાથે અથડાઈ હતી. એ સમયે એ રોડ પર વિન્ટેજ કારની રૅલી પણ ચાલી રહી હતી. એથી ઘણા ફોટોગ્રાફરો, સ્થાનિક પોલીસ અને ટ્રૅફિક પોલીસ પણ હાજર હતી. કોઈ ફોટોગ્રાફરે એ ઘટનાનો વિડિયો ઉતારી લીધો હતો જે પાછળથી વાઇરલ થયો હતો. BMW રેલિંગ સાથે ભટકાતાં કારને બહુ નુકસાન થયું હતું, પણ રિષભ બચી ગયો હતો. અન્ય કોઈ વાહન કે પછી કોઈ વ્યક્તિને ઈજા થઈ નહોતી. અમે એ વિડિયો જોયા બાદ કાર ચલાવનારી વ્યક્તિ સામે રૅશ ડ્રા​​ઇવિંગનો ગુનો નોંધ્યો હતો. આરોપી રિષભ અનેજાને વરલી પોલીસ-સ્ટેશન બોલાવી તેને એ બદલ નોટિસ આપી વધુ કાર્યવાહી કરી હતી.’   

mumbai news mumbai Mumbai Coastal Road road accident viral videos juhu