મુલુંડમાં ઇએસઆઇએસ હૉસ્પિટલના નૂતનીકરણ સાથે મેડિકલ-નર્સિંગ કૉલેજ શરૂ થશે

23 May, 2023 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંસદસભ્ય મનોજ કોટકના પ્રયાસોને ઝળહળતી સફળતા

મિટિંગની તસવીર

મુલુંડ-વેસ્ટમાં એલબીએસ માર્ગ પર આવેલી કેન્દ્ર સરકારની એમ્પ્લૉઈઝ સ્ટેટ ઇશ્યૉરન્સ સ્કીમ (ઈએસઆઇએસ) હૉસ્પિટલનું હવે નૂતનીકરણ કરવામાં આવશે અને સાથે જ ત્યાં મેડિકલ કૉલેજ અને નર્સિંગ કૉલેજ પણ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ હૉસ્પિટલને અદ્યતન બનાવવા અને મેડિકલ કૉલેજ ચાલુ કરાવવા ઈશાન મુંબઈના સંસદસભ્ય મનોજ કોટકે ભારે જહેમત ઉઠાવી હતી અને એ માટે સતત સરકારમાં રજૂઆત કરી ફૉલોઅપ કરી એને લગતા પાઠપુરાવા કર્યા હતા. સોમવારે આ સંદર્ભે મળેલી બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.    

મનોજ કોટકે આ સંદર્ભે કહ્યું હતું ‘અમારો ઉદ્દેશ લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પૂરી પાડવાનો છે. હાલની આરોગ્ય સેવાના મૂળભૂત માળખાને વધુ સુવિધાજનક બનાવવાની દિશામાં ભારત સરકારે નિર્ણય લઈ એક મહત્ત્વનું પગલું ભર્યું છે. ઈશાન મુંબઈના લોકો વતી હું આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરું છું સાથે-સાથે મહારાષ્ટ્ર રાજ્યના ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન ભૂપેન્દ્ર યાદવનો પણ આભાર વ્યક્ત કરું છું.’

સંસદસભ્ય મનોજ કોટક દ્વારા સમયાંતરે મુલુંડની ઈએસઆઇએસ હૉસ્પિટલનો મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો છે. મુલુંડની હૉસ્પિટલને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવા માટે સંસદસભ્ય મનોજ કોટક દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં પત્રવ્યવહાર પણ કરવામાં આવ્યા છે. મનોજ કોટકના અથાગ પ્રયાસોને યશ મળતાં સરકારે આખરે મુલુંડમાં આ હૉસ્પિટલના નવીનીકરણ અને આધુનિકીકરણને મંજૂરી આપી છે, જેથી માત્ર મુલુંડ જ નહીં, પરંતુ ઈશાન મુંબઈ અને આસપાસના લોકોને પણ સારી સ્વાસ્થ્ય સેવાઓ મળી શકશે. 

mumbai mumbai news mulund