સુલ્લી ડીલ્સ કેસમાં બુલ્લી બાઇ કેસના આરોપીઓ સંડોવાયેલા છે: પોલીસે કોર્ટને આપી માહિતી

18 January, 2022 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ પોલીસના સાયબર સેલે મુંબઈ કોર્ટમાં આ માહિતી આપી છે.

પ્રતીકાત્મક તસવીર

બુલ્લી બાઇ એપ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ સુલી ડીલ્સ કેસમાં પણ સંડોવાયેલા છે. મુંબઈ પોલીસના સાયબર સેલે મુંબઈ કોર્ટમાં આ માહિતી આપી છે. પોલીસે ત્રણેય આરોપીઓની જામીન અરજી ફગાવી દેવાની માગણી કરી છે. પોલીસનું કહેવું છે કે તપાસમાં ત્રણેય સામે સુલી ડીલ્સ અંગે પણ મહત્વની કડીઓ મળી આવી છે. આવી સ્થિતિમાં જામીન આપવાથી તપાસ પ્રભાવિત થઈ શકે છે.

મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ આરોપીઓ વિશાલ કુમાર ઝા, શ્વેતા સિંહ અને મયંક રાવત બુલી બાય એપના નિર્માતા નીરજ બિશ્નોઈ સાથે મળીને કામ કરતાં હતાં. નીરજ બિશ્નોઈની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. આ પછી, કોર્ટે ત્રણેયની જામીન અરજીને આગામી સુનાવણી સુધી સ્થગિત કરી દીધી છે.

જામીન અરજી ફગાવી દેવાની માગ કરતાં પોલીસે કહ્યું કે જેલમાંથી મુક્ત થયેલો આરોપી પુરાવા સાથે ચેડા કરી શકે છે. મુંબઈ પોલીસે કહ્યું કે આ મામલે એક ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. આ ટીમ સુલી ડીલ્સ કેસમાં ધરપકડ કરાયેલા નીરજ બિશ્નોઈ અને ઓમકારેશ્વર ઠાકુરની કસ્ટડીમાં વધુ પૂછપરછ કરશે. પોલીસે કહ્યું કે આરોપીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેઓ એવી વસ્તુઓ પોસ્ટ કરે છે, જેનાથી સમાજમાં શાંતિ અને વ્યવસ્થાને અસર થાય છે.

તે જ સમયે, દિલ્હી હાઈકોર્ટે ઠાકુર અને બિશ્નોઈની જામીન અરજી ફગાવી દીધી છે. દરમિયાન, મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા મયંક રાવત અને શ્વેતા સિંહને 28 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, વિશાલ કુમાર ઝાને 24 જાન્યુઆરી સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.

mumbai mumbai police mumbai news