ગુટકાના ગેરકાયદે વેપાર સામે પોલીસ માગે છે પ્રોટેક્શન મની?

31 March, 2023 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાઈંદરમાં ગુટકાના ખુલ્લેઆમ વેચાણ સામે આંખ આડા કાન કરવા મહિને ૧૦,૦૦૦ રૂપિયા લેતા કૉન્સ્ટેબલની એસીબીએ કરી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ગુટકાના વેચાણ પર રાજ્યભરમાં પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ પાનની દુકાનોમાં ગુટકાનું વેચાણ થવા માટે પોલીસ જવાબદાર હોવાનું જણાઈ આવ્યું છે. ભાઈંદરમાં ગેરકાયદે ગુટકાનું વેચાણ કરનારાઓ પાસેથી પ્રોટેક્શન મની તરીકે મહિને ૧૦,૦૦૦ રૂપિયા લેવાના મામલામાં થાણેના ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)એ એક પોલીસ કૉન્સ્ટેબલ અને તેના સાથીની બુધવારે ધરપકડ કરી હતી.

ભાઈંદરમાં ગેરકાયદે ગુટકાનું વેચાણ ચાલુ રાખવા માટે નવઘર પોલીસ સ્ટેશનનો એક કૉન્સ્ટેબલ મહિને ૧૦,૦૦૦ રૂપિયા પ્રોટેક્શન મની તરીકે લેતો હોવાની ફરિયાદ એસીબીને મળી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને કૉન્સ્ટેબલને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.

ભાઈંદર-પૂર્વમાં પાનવાળાઓ પ્રતિબંધ હોવા છતાં ગુટકાનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. આ માટે નવઘર પોલીસ સ્ટેશનનો કૉન્સ્ટેબલ અમિત પાટીલ ગુટકા વેચનારાઓ પાસેથી મહિને ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતો હોવાનું એસીબીના છટકામાં જણાઈ આવતાં આ કૉન્સ્ટેબલને રંગેહાથ ઝડપવામાં આવ્યો હતો.

કૉન્સ્ટેબલે મહિને ૧૦,૦૦૦ રૂપિયા આપશે તો જ ગુટકા વેચવા દેવાશે એવી માગણી કરતાં એક પાનવાળાએ થાણે એસીબીમાં લાંચ માગવાની ફરિયાદ નોંધાવી હતી. કૉન્સ્ટેબલ અમિત પાટીલે બે મહિનાના ૧૮,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. કૉન્સ્ટેબલે ૧૦,૦૦૦ રૂપિયા તેના સાથી અમિત મિશ્રાને આપવાનું કહ્યું હતું. અમિત મિશ્રાએ આ રકમ સ્વીકારતાં એસીબીએ રંગેહાથ તેની ધરપકડ કરી હતી. બાદમાં કૉન્સ્ટેબલ અમિત પાટીલની પણ લાંચ માગવાના આરોપસર ધરપકડ કરી હતી. આ કેસનો સંજય યાદવ નામનો વધુ એક આરોપી પલાયન થઈ ગયો છે.

થાણે એસીબીના ઇન્સ્પેક્ટર સ્વપ્નિલ જુઈકરના જણાવ્યા મુજબ પાનની દુકાનોમાં ગેરકાયદે રીતે ગુટકાની સપ્લાય કરનારાઓ પાસેથી આરોપી કૉન્સ્ટેબલ અમિત પાટીલે મહિને ૧૦,૦૦૦ રૂપિયા પ્રોટેક્શન મની તરીકે માગ્યા હતા. જનરલ સ્ટોરના માલિકે આ રકમ આપવાને બદલે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આથી છટકું ગોઠવીને બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમનો એક સાથી સંજય યાદવ પલાયન થઈ ગયો છે.

mumbai mumbai news bhayander Crime News mumbai crime news anti-corruption bureau mumbai police