01 February, 2025 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપરના કૈલાસ પ્લાઝા કૉમ્પલેક્સમાં ગઈ કાલે અચાનક આગ લાગી હતી જેમાં ઑફિસોમાં રાખવામાં આવેલા કમ્પ્યુટરો સહિતનો સામાન બળી ગયો હતો.
ઘાટકોપર-ઈસ્ટના રામ નારાયણ નારકર માર્ગ પર આવેલા કૈલાસ પ્લાઝા કમર્શિયલ કૉમ્પ્લેક્સની શૅરબજારના વ્યવસાય સાથે સંકળાયેલી એક ઑફિસમાં સવારે સવાછ વાગ્યાની આસપાસ અચાનક ઍર-કન્ડિશનરમાં બ્લાસ્ટ થતાં આ કૉમ્પ્લેક્સના બીજા, ત્રીજા અને ચોથા માળે આવેલી અનેક ઑફિસો બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે ઑફિસમાં બ્લાસ્ટ થયો એ સમયે ત્યાં કામ કરતો પ્યુન બાથરૂમ ગયો હોવાથી બચી ગયો હતો. આગને લીધે ગઈ કાલે કૈલાસ પ્લાઝામાં આવેલી ૨૨૫ ઑફિસ બંધ રહી હતી અને આજે પણ શરૂ થવાની શક્યતા ઓછી છે.
આ બાબતની માહિતી આપતાં આ ઑફિસના એક કર્મચારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે શૅરબજારનું કામ કરતા હોવાથી ઑફિસ આવીએ એ પહેલાં સવારે છ વાગ્યે પ્યુન ઑફિસની સાફસફાઈ કરીને એને તૈયાર રાખતો હોય છે. ગઈ કાલે પણ રોજિંદા ક્રમ પ્રમાણ તે ઑફિસ ખોલીને ઍર-કન્ડિશનર (AC) ચાલુ કરીને બાથરૂમ ગયો હતો. થોડી જ મિનિટોમાં ACમાં બ્લાસ્ટ થતાં ઑફિસ આગની લપેટમાં આવી ગઈ હતી. એની સાથે આજુબાજુની ઑફિસો પણ આગની લપેટમાં આવી ગઈ હતી. આગમાં અમારી બૅક ઑફિસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ સિવાયની બધી જ ઑફિસોમાં કમ્પ્યુટરો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયાં હતાં. જોકે ફાયર-બ્રિગેડ સમયસર પહોંચી જતાં તેમણે આગને પચીસ મિનિટમાં કાબૂમાં લઈ લીધી હતી.’
આગના સમાચાર મળતાં તરત જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વલ્લભબાગ લેન અને રામ નારાયણ નારકર માર્ગ પર નાકાબંધ કરી દીધી હતી એમ જણાવતાં પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ કેવળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પહોંચ્યા ત્યારે કૈલાસ પ્લાઝાના બીજા માળે ૨૨૭ નંબરની ઑફિસ, ત્રીજા માળે ૩૩૮ નંબરની ઑફિસ અને ચોથા માળની ૪૩૯ નંબરની ઑફિસ આગની લપેટમાં આવી ગઈ હતી. થોડી વારમાં જ માનખુર્દ, વિક્રોલી, ચેમ્બુર અને એન વૉર્ડની ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેમણે તરત જ આગને નિયંત્રણમાં લઈ લીધી હતી. આગ વિકરાળ હોવા છતાં વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ બધી જ ઑફિસો બળીને ખાખ થઈ ગઈ હતી.’
ACમાં બ્લાસ્ટ થવાને કારણે સવાર-સવારમાં જોરદાર ધડકા થયા હતા. એ સંદર્ભમાં બાજુના બિલ્ડિંગના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થોડી વારમાં જ આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો. ધુમાડાની ગૂંગળામણથી બચવા અમારે અમારાં બારીબારણાં બંધ કરી દેવા પડ્યાં હતાં.’