તમે તમારી પતંજલિ સંભાળો, નહીંતર બંધ થઈ જશે

31 July, 2026 07:19 AM IST  |  Chhatrapati Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent

બાબા રામદેવે કૉક્રૉચ જનતા પાર્ટીના આંદોલનની ટીકા કરી એના જવાબમાં અભિજિત દીપકેએ કર્યો પલટવાર

ગઈ કાલે છત્રપતિ સંભાજીનગરમાં મીડિયા સાથે વાત કરતો અભિજિત દીપકે.

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવેલા આંદોલનની યોગગુરુ બાબા રામદેવે ટીકા કરી ત્યાર પછી CJPના સ્થાપક અભિજિત દીપકેએ તેમના પર વળતો પ્રહાર કર્યો છે. અભિજિત દીપકેએ બાબા રામદેવને દેશની સંસ્કૃતિની ચિંતા કરવાને બદલે પોતાની કંપની પર ધ્યાન આપવું જોઈએ એવી સલાહ આપી છે.

બાબા રામદેવે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરાયેલા આંદોલન વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી વખતે આંદોલનને વખોડ્યું હતું. એનો જવાબ આપતાં અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘આંદોલનમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીના ફોટો લાવવાથી દેશ અને દેશની સંસ્કૃતિની બદનામી કઈ રીતે થાય? ખરેખર તો પેપર-લીક થવાને કારણે ભારતની બદનામી થઈ છે. જય ભીમના નારા લગાવવા જો તમને બદનામી કરવી લાગતું હોય તો અમે કરીએ છીએ બદનામી. પતંજલિની પ્રોડક્ટ્સથી લોકો છેતરાય છે એવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. બાબા રામદેવ એના પર ધ્યાન આપે. સંસ્કૃતિ, લોકશાહી બધું જ જેન-ઝી સંભાળી લેશે. તમે તમારી પતંજલિની પ્રોડક્ટ્સ પર ધ્યાન આપો, નહીંતર એ બંધ થઈ જશે.’

શું બોલ્યા હતા બાબા રામદેવ? 
બાબા રામદેવે CJPના આંદોલન દરમ્યાન આંદોલનકારીઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તથા ઇન્ડિયન આર્મીને આપવામાં આવેલી અભદ્ર ગાળોની ટીકા કરતાં કહ્યું હતું કે ‘ગાળો આપવી એ આપણી સંસ્કૃતિ નથી. આ આંદોલનને કારણે આપણા દેશની બદનામી થઈ છે. દેશમાં શું થશે એનો ફેંસલો રસ્તા પર નહીં, સંસદમાં થાય છે.’ 

mumbai news mumbai abhijit dipake cockroach janata party baba ramdev Patanjali