19 July, 2024 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બસની ટક્કરે મહિલાનો જીવ લીધો.
ભાઈંદર-ઈસ્ટમાં નવઘર રોડ ખાતે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની પ્રવાસીઓથી ભરેલી બસના ડ્રાઇવરે બસસ્ટૉપ પરથી નીકળ્યા બાદ સ્ટિયરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવતાં એક મહિલાને ઉડાડી દીધી હતી જેમાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. એ પછી એક રિક્ષા અને ખાનગી વાહનને પણ બસે ટક્કર મારી હતી. બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાની શક્યતા છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા લાકોએ બસની તોડફોડ કરી છે અને પોલીસે બસચાલકને તાબામાં લીધો છે.
ભાઈંદર-ઈસ્ટના નવઘર રોડ પરના મુખ્ય બસ-સ્ટેશનથી પ્રવાસીઓને લઈને મ્યુનિસિપલ પરિવહન સેવાની બસ નીકળી હતી. થોડી વાર પછી તેની સામે ઊભેલી એક મહિલાને બસે ટક્કર મારી હતી. એ પછી પણ બસ-ડ્રાઇવરે બસ પર કન્ટ્રોલ મેળવ્યો નહોતો અને રિક્ષા તથા ખાનગી વાહનને ટક્કર મારી દીધી હતી. મૃત્યુ પામેલી ૫૮ વર્ષની મહિલાની ઓળખ દુર્ગાદેવી બિસ્ત તરીકે થઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલ્યો હતો. આ બસની બ્રેક ફેલ થઈ હોવાની શક્યતા છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી. નવઘર પોલીસે બસચાલકને તાબામાં લઈને કાર્યવાહી કરી હતી. આ વિશે ઍડિશનલ કમિશનર અનિકેત મનોરકરે જણાવ્યું હતું કે ‘બસ-ડ્રાઇવરે બ્રેક મારી એ પહેલાં જ મહિલા અચાનક બસ સામે આવી ગઈ હતી. એક રિક્ષા તેની બાજુમાં હતી જેને લીધે બસે મહિલા અને રિક્ષાને ટક્કર મારી હતી.’