આપ યે રુદ્રાક્ષ પહનતે હો ક્યા બકવાસ હૈ

06 May, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્દોર જતી થાણેની મહિલાને આવું કહીને એક મુસ્લિમ સ્ત્રી અને તેની સાથેના યુવાનોએ ચાલતી ટ્રેનમાં ચાકુ માર્યું

શીતલ ભોસલેના હાથમાં ઈજા થવાની સાથે હોઠમાંથી પણ લોહી નીકળ્યું હતું.

જોઈ લો કઈ રીતે સરેઆમ હિન્દુદ્વેષ પ્રગટ કરવામાં આવે છે

અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈથી ઇન્દોર જઈ રહેલી થાણેની મહિલા ઍડ્વોકેટ શીતલ ભોસલે પર શનિવારે રાત્રે એક મુસ્લિમ મહિલા અને તેની સાથેના યુવાનોએ ચાકુથી હુમલો કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. ટ્રેનના જનરલ કોચમાં પ્રવાસ કરી રહેલી શીતલ ભોસલેએ હાથમાં પહેરેલી રુદ્રાક્ષની માળા અને છત્રપતિ શિવાજી મહારાજનું ટૅટૂ જોયા બાદ બાજુમાં બેસેલી મુસ્લિમ મહિલાએ ‘આપ યે રુદ્રાક્ષ પહનતે હો, ક્યા બકવાસ હૈ’ કહ્યું હતું. એના જવાબમાં શીતલ ભોસલેએ ‘તારા બુરખા પહેરવા સામે મને કોઈ વાંધો નથી તો તને મારી માળાથી કેમ ત્રાસ થાય છે’ એમ કહ્યું હતું. તેમની વચ્ચે બોલાચાલી થઈ રહી હતી ત્યારે મુસ્લિમ મહિલા સાથે પ્રવાસ કરી રહેલા કેટલાક પ્રવાસીઓ શીતલ ભોસલે તરફ ધસી ગયા હતા અને તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. એમાં શીતલ ભોસલેના હાથમાં ઈજા થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

થાણેમાં રહેતી ઍડ્વોકેટ શીતલ ભોસલેએ પાલઘર રેલવે-પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે ‘હું ઇન્દોરમાં ભણી રહેલા દીકરાને ઘરે લાવવા માટે શનિવારે રાત્રે મુંબઈથી અવંતિકા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં નીકળી હતી. વેકેશનનો સમય હોવાથી કન્ફર્મ ટિકિટ ન મળતાં હું જનરલ કોચમાં પ્રવાસ કરી રહી હતી. વિરાર વટાવ્યા બાદ બાજુમાં બુરખો પહેરીને બેસેલી એક મુસ્લિમ મહિલા મારા હાથમાં રુદ્રાક્ષની માળા અને છત્રપતિ શિવાજી મહારાજનું ટૅટૂ જોઈને હિન્દુ ધર્મ વિશે જેમતેમ બોલવા લાગી હતી. મુસ્લિમ મહિલા બુરખો પહેરે છે એની સામે હિન્દુઓને કોઈ વાંધો નથી તો તેમને રુદ્રાક્ષની માળા પહેરવા સામે કેમ વાંધો છે એવો સવાલ મેં કર્યો ત્યારે મહિલા અને તેની સાથે પ્રવાસ કરી રહેલો યુવાન મારા તરફ ધસી આવ્યાં હતાં. મુસ્લિમ મહિલાએ મારા પર ચાકુથી હુમલો કરતાં મને હાથમાં ઈજા પહોંચી હતી. હાથમાંથી લોહી નીકળતું જોઈને મુસ્લિમ મહિલા અને તેની સાથેનો પ્રવાસી થોડે દૂર હટી ગયાં હતાં. વાપી સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યારે મેં હોમગાર્ડને મદદે આવવા માટે બૂમો પાડી હતી, પરંતુ કોઈ મદદે નહોતું આવ્યું. કોઈકે રેલવે-પોલીસની હેલ્પલાઇનમાં આ ઘટનાની જાણ કરતાં ટ્રેન વલસાડ પહોંચી ત્યારે પોલીસે હુમલો કરનારી મુસ્લિમ મહિલા અને તેની સાથેના પ્રવાસીને તાબામાં લીધાં હતાં.’ શીતલ ભોસલેના હાથમાંથી લોહી નીકળતું હતું એટલે તેને સારવાર આપવામાં આવી હતી.

નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ
શીતલ ભોસલેની પ્રાથમિક સારવાર બાદ તેને પાલઘર રેલવે-સ્ટેશનમાં ગઈ કાલે સવારના લઈ જવામાં આવી હતી. અહીં તેણે ફરિયાદ નોંધાવી હતી. એમાં તેણે દાવો કર્યો હતો કે મુસ્લિમ પ્રવાસીઓએ તેને ઘેરી લીધી હતી ત્યારે તેનાં કપડાં કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ લોકોએ કોઈને વિડિયો અને ફોટો કાઢવાનું પણ કહ્યું હતું.

સુરતની મહિલા અને રાજકોટના યુવકની ધરપકડ

પાલઘર રેલવે પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સચિન ઇંગવલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સુરતની મહિલા રુબિના યુનુસ પઠાણ અને રાજકોટના ઇમ્તિયાઝ આબિદભાઈ ઓડિયા નામના યુવકની થાણેની મહિલા શીતલ ભોસલે પર હુમલો કરવાના આરોપસર ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ફરિયાદી અને આરોપી મહિલા અવંતિકા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બાજુબાજુમાં બેસેલી હતી ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમ્યાન ડબ્બામાં હાજર કેટલાક લોકોએ ફરિયાદી મહિલાનાં કપડાં ફાડવાનો પ્રયાસ કરવાની સાથે ચાકુ જેવા કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી હુમલો કરવામાં આવ્યો હતો. ધાર્મિક વિવાદ થયો હતો કે કેમ એની અમે તપાસ કરી રહ્યા છીએ.’

mumbai news mumbai thane crime thane indore mumbai crime news crime branch