મહારાષ્ટ્રમાં આજે રમાશે સત્તાની સેમી-ફાઇનલ

12 July, 2024 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાન પરિષદના ૧૧ સભ્યોની ચૂંટણી માટે ૧૨ ઉમેદવાર

ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે

લોકસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં ફરી સત્તાધારી મહાયુતિ અને વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડી વચ્ચે મુકાબલો થશે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૧૧ બેઠક માટે ૧૨ ઉમેદવારો મેદાનમાં છે એટલે સત્તાધારી અને વિરોધ પક્ષો એકબીજાને પરાસ્ત કરવા માટેના પ્રયાસ કરશે. આ ચૂંટણીને સત્તાની સેમી-ફાઇનલ એટલા માટે કહેવામાં આવી રહી છે કે પરિણામથી ખ્યાલ આવશે કે સત્તાધારી પક્ષ અકબંધ છે કે નહીં. સૌથી વધુ નજર અજિત પવારના વિધાનસભ્યો પર છે. કહેવાય છે કે લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ બાદ અજિત પવાર જૂથના કેટલાક વિધાનસભ્યોને લાગી રહ્યું છે કે મહાયુતિ વિધાનસભાની ચૂંટણીમાં ફરી સત્તા નહીં મેળવી શકે. આથી તેઓ ક્રૉસ વોટિંગ કરીને મહા વિકાસ આઘાડીને મદદ કરી શકે છે.

દરમ્યાન આજે વિધાન પરિષદના ૧૧ સભ્યો ચૂંટવા માટે વિધાનભવનમાં ગુપ્ત મતદાન કરવામાં આવશે એટલે દરેક પક્ષે વ્હિપ જાહેર કરીને તેમના વિધાનસભ્યોને હાજર રહેવાનું ફરમાન ગઈ કાલે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં યોજવામાં આવેલી વિધાન પરિષદ અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ વિરોધીઓના મત તોડીને વિજય મેળવ્યો હતો. 

શું છે રાજકીય સ્થિતિ?
વિધાન પરિષદના એક સભ્યને ચૂંટવા માટે ૨૩ મતની જરૂર છે ત્યારે જાણીએ સત્તાધારી અને વિરોધી પક્ષ પાસે કેટલા વિધાનસભ્યો છે અને એમને કેટલા નાના તથા અપક્ષોના સમર્થનની જરૂર છે

પક્ષ

વિધાનસભ્યો

ઉમેદવાર

જરૂરી મત

ઓછા/
વધતા મત

BJP

૧૦૩

૧૧૫

- ૧૨

NCP

૪૦

૪૬

- ૬

શિવસેના

૪૦

૪૬

- ૬

કૉન્ગ્રેસ

૩૭

૨૩

+ ૧૪

શિવસેના
(UBT)

૧૬

૨૩

- ૭

NCP (SP)

૧૨

૨૩

-૧૧

નોંધ ઃ કુલ ૨૮૮ વિધાનસભ્યો છે એમાંથી ૨૭૨ મતદાન કરી શકશે. વિધાનસભામાં નાના પક્ષો અને અપક્ષના ૨૪ વિધાનસભ્યો છે. આ વિધાનસભ્યો જેમને સાથ આપશે એને ફાયદો થશે.

mumbai news mumbai assembly elections vidhan bhavan maharashtra news political news bharatiya janata party national democratic alliance shiv sena congress