06 July, 2026 07:51 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પૂણેના દાભાડેમાં રસ્તામાં પડેલી તિરાડો
પુણેના તળેગાવ દાભાડેમાં રસ્તામાં અચાનક મોટી તિરાડ પડીને એમાંથી મોટા પ્રમાણમાં પાણી ફુવારાની જેમ બહાર આવવાની ઘટના શનિવારે બની હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. રસ્તાની નીચે નખાયેલી પાણીની પાઇપલાઇન ફાટતાં આ ઘટના બની હતી. તળેગાવ નગરપરિષદે પાણીપુરવઠા યોજના અંતર્ગત દોઢ વર્ષ પહેલાં રસ્તાની નીચે પાઇપલાઇન બેસાડીને ત્યાં ફરીથી ડામર નાખ્યો હતો.
આવતા અઠવાડિયે આ પાઇપલાઇન શરૂ કરવાની યોજના હોવાથી શનિવારે એની ટ્રાયલ હાથ ધરાઈ હતી. જોકે ટ્રાયલ દરમ્યાન જ પાઇપલાઇન ફૂટી ગઈ હતી અને પાણીના ફોર્સના કારણે ડામરનો રસ્તો પણ ફાટી ગયો હતો. આ ઘટના માટે કૉન્ટ્રૅક્ટરનું હલકી ગુણવત્તાનું કામ જવાબદાર મનાઈ રહ્યું છે. આ ઘટનાની નોંધ તળેગાવ નગરપરિષદ દ્વારા પણ લેવાઈ છે અને તેમના કહેવા મુજબ પાઇપલાઇનના રિપેરિંગ અને રસ્તાને ફરી તૈયાર કરવાનો ખર્ચ સંબંધિત કૉન્ટ્રૅક્ટર પાસેથી જ વસૂલ કરવામાં આવશે.
આ ઘટનાનું CCTV કૅમેરાનું ફુટેજ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું હતી. નગરપરિષદના એક અધિકારીએ જણાવ્યા મુજબ બે પાઇપલાઇનને એકબીજા સાથે બરાબર જોડવામાં ન આવી હોવાને કારણે આ ઘટના બની હતી.
ભિવંડીમાં વરસાદને લીધે ભરાયેલા પાણીમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે સુપરહીરોએ મેદાનમાં આવવું પડ્યું હતું. પાણીમાં ગરકાવ રસ્તાઓ પરથી પસાર થવામાં મદદ કરવા તેમને પાણીની વચ્ચેથી લઈ જતા તથા કચરો સુધ્ધાં ભેગો કરીને એક ઠેકાણે લઈ જતા સ્પાઇડરમૅનના સૂટમાં સજ્જ માણસના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા. સંકટના સમયમાં લોકો સાથે મસ્તી કરીને આ સ્પાઇડરમૅને તેમનો મૂડ થોડો હળવો કર્યો હતો. ૨૦૨૫માં પણ ભિવંડીમાં પાણી ભરાયાં ત્યારે આ રીતે સ્પાઇડરમૅને આવીને લોકોને મદદ કરી હતી.
રેલવે-ટ્રૅક પર ભરાયેલાં પાણીની વચ્ચે પૂરપાટ ઝડપે આવતી વન્દે ભારત એક્સપ્રેસનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. વન્દે ભારત એટલી સ્પીડમાં પસાર થાય છે કે એના કારણે ટ્રૅક પર ભરાયેલું પાણી છેક અેની ઉપર આવેલા બ્રિજ પરથી પસાર થતાં વાહનો પર ઊડે છે. આ વિડિયો કાંજુરમાર્ગ રેલવે-સ્ટેશન નજીકનો હોવાનું કહેવાય છે.
મુંબઈ-ગોવા હાઇવે પર પૂરને કારણે વાહનો અટકી જતાં લાંબી લાઇનો લાગી ગઈ હતી. જોરદાર વરસાદને કારણે મુંબઈ-ગોવા હાઇવે પર એની અસર જોવા મળી હતી. શનિવાર રાતથી પડી રહેલા જોરદાર વરસાદને કારણે રાયગડ જિલ્લામાં સુકેળી ખીણ પાસે આવેલી જિંદલ કંપની પાસેની કૅનલ ઓવરફ્લો થઈને એનું પાણી રસ્તા પર આવી જતાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને બન્ને તરફનો વાહનવ્યવહાર રોકી દેવો પડ્યો હતો. સતત વરસાદને કારણે પાણીનો નિકાલ થતો નહોતો અને નવા પાણીનો પ્રવાહ વધતો જ જતો હતો. એથી વાહનોએ ૧૦ કલાક કરતાં વધુ સમય એક જ જગ્યાએ ઊભા રહેવું પડ્યું હતું. એ વખતે સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી અને તેમણે કારમાં અટવાયેલા લોકોને ખાવાનું અને પાણીની બૉટલો આપીને બનતી મદદ કરવાની કોશિશ કરી હતી. જોકે આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને સિનિયર સિટિઝનો, મહિલાઓ અને બાળકોની હાલત કફોડી થઈ ગઈ હતી.