વાશીમાં ઇનોવાના ડ્રાઇવરે રિક્ષાને અડફેટે લીધી, ઑટો-ડ્રાઇવરનું મોત

29 July, 2024 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિટ ઍન્ડ રનની આ ઘટના ત્યાં આવેલી એક દુકાનના ક્લોઝ્ડ સર્કિટ ટીવી (CCTV) કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી

અકસ્માતનાં સીસીટીવી ફૂટેજ

નવી મુંબઈના વાશીમાં સેક્ટર નવમાં સાંઈનાથ સ્કૂલ સામે એક ઇનોવા કારે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષા-ડ્રાઇવરનું મોત થયું હતું. હિટ ઍન્ડ રનની આ ઘટના ત્યાં આવેલી એક દુકાનના ક્લોઝ્ડ સર્કિટ ટીવી (CCTV) કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી. વાશી પોલીસે ઇનોવાના ડ્રાઇવર અને અકસ્માત કરનારા તેના સાગરીતની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધીને તેમને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને જેલકસ્ટડી આપી હતી.

એ ઇનોવા બહુ ઝડપથી રૉન્ગ સાઇડમાં જઈ રહી હતી. સામેથી રિક્ષા આવતાં ઇનોવાના ડ્રાઇવરે તેની ગાડી લેફ્ટ લેનમાં લીધી હતી. એ વખતે આગળ રિક્ષા જઈ રહી હતી. ઇનોવાના ડ્રાઇવરે ગાડી કન્ટ્રોલ ન કરતાં રિક્ષાને જોશભેર અડફેટે લીધી હતી એટલું જ નહીં, કેટલાક મીટર સુધી એને ઘસડ્યે રાખી હતી. એ ટક્કરની ઇમ્પૅક્ટ એટલી જોરદાર હતી કે એમાં ડોમ્બિવલીમાં રહેતા ૬૩ વર્ષના રિક્ષા-ડ્રાઇવર મુન્નાલાલ ગુપ્તાનું મોત થયું હતું અને રિક્ષાને પણ ભારે નુકસાન થયું હતું. ઇનોવા ત્યાર બાદ ફુટપાથ સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી.

વાશી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર માણિક નલાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ અકસ્માતની આ ઘટના બની હતી. ઇનોવાના ડ્રાઇવર ભગવત તિવારીએ તેના સાગરીત સુભાષ શુક્લાને ગાડી ચલાવવા આપી હતી અને સુભાષ શુક્લાએ એ અકસ્માત કર્યો હતો. અમે ભગવત તિવારી અને સુભાષ શુક્લા બન્નેની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધીને તેમને કોર્ટમાં હાજર કર્યા હતા. બન્ને સામે નોંધાયેલો ગુના જામીનપાત્ર હતો. કોર્ટે તેમને જેલ-કસ્ટડીમાં મોકલી આપ્યા છે.’

navi mumbai vashi road accident mumbai police Crime News