15 March, 2026 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભિવંડીમાંથી જપ્ત કરવામાં આવેલાં સિલિન્ડર સાથે રૅશનિંગ અધિકારીઓ.
યુદ્ધના કારણે ગૅસ પુરવઠા બાબતે ઊભા થયેલા સંકટ વચ્ચે કાળાબજારીના બનાવો રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામે આવી રહ્યા છે ત્યારે થાણે રૅશનિંગ વિભાગે ભિવંડીના વાલપાડા વિસ્તારમાં આવેલા વર્ધમાન ટાવર પાસે ગઈ કાલે અચાનક દરોડો પાડીને ગેરકાયદેસર રીતે સંગ્રહિત ૮૪ ગૅસ-સિલિન્ડર જપ્ત કર્યાં હતાં. આ કાર્યવાહી દરમિયાન ત્રણ ટેમ્પો પણ કબજે કરવામાં આવ્યા છે. નારપોલી પોલીસ દ્વારા ટેમ્પો-ડ્રાઇવર સહિત બે જણને કસ્ટડીમાં લઈ આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ભિવંડી વિભાગના રૅશનિંગ ઑફિસર રત્નદીપ સાવંતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર ગૅસ-સિલિન્ડરની તંગી સર્જાશે એવા સંદેશાઓ ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ સ્થિતિનો લાભ લઈ કેટલાક લોકો ગૅસ-સિલિન્ડરોનો ગેરકાયદેસર જથ્થો એકત્રિત કરીને ઊંચા ભાવે વેચવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા અમે ખાસ અભિયાન શરૂ કર્યું છે. ગઈ કાલે સવારે માહિતી મળ્યા બાદ અમારી ટીમ વર્ધમાન ટાવર પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ત્રણ ટેમ્પોમાં સંગ્રહિત ૮૪ ગૅસ -સિલિન્ડર મળી આવ્યાં હતાં. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ૪ કિલો, ૧૨ કિલો, ૧૭ કિલો અને ૧૯ કિલોની ક્ષમતાના ભારત ગૅસ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ગો ગૅસ કંપનીનાં સિલિન્ડરો હતાં. જપ્ત કરાયેલાં સિલિન્ડરમાં ઘરેલુ તેમ જ કમર્શિયલ બન્ને પ્રકારનાં સિલિન્ડરોનો સમાવેશ છે. ગૅસની અછતની અફવાઓ વચ્ચે આવાં સિલિન્ડરો બજારમાં ૪ હજારથી ૫ હજાર રૂપિયા સુધીના ઊંચા ભાવે વેચવામાં આવી રહ્યાં હતાં. આ સમગ્ર મામલે ટેમ્પો-ડ્રાઇવર સહિત બે જણને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.’