સમુદ્રમાં પૅટ્રોલિંગ કરતી પોલીસની સ્પીડ બોટ ડૂબતાં-ડૂબતાં બચી

29 January, 2023 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલઘરના સમુદ્રમાં કેળવેથી દાતીવરે વચ્ચેના ભાગમાં અશોકા બોટમાં પાણી ભરાવા લાગ્યું : સ્થાનિક માછીમારોની મદદથી બોટને કાંઠે લાવીને ચાર પોલીસને બચાવી લેવાયા

મધદરિયેથી બચાવવામાં આવેલા પોલીસની સાથે માછીમારો.

મુંબઈ : દરિયાઈ માર્ગે અસામાજિક તત્ત્વો પર નજર રાખવા માટે પોલીસ દ્વારા સમુદ્રમાં સ્પીડ-બોટથી પૅટ્રોલિંગ કરવામાં આવે છે. જોકે પોલીસની બોટ જ ડૂબવા માંડે તો શું થાય? આવો ઘાટ ગઈ કાલે સવારના પાલઘર નજીકના સમુદ્રમાં થયો હતો. કેળવે કોસ્ટલ પોલીસની એક સ્પીડ-બોટ કેળવેથી દાતીવરે વચ્ચેના સમુદ્રમાં શુક્રવારે પૅટ્રોલ‌િંગ કરી રહી હતી ત્યારે બોટમાં પાણી ભરાવા માંડતાં ચાર પોલીસ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોરદાર હવા ચાલતી હોવાથી બોટમાં રાખેલાં લાઇફ જૅકેટ પણ સમુદ્રમાં વહી ગયાં હતાં. ત્યારે એક પોલીસે ફોન કરીને મદદ માગતાં માછીમારોએ એક કલાકની જહેમત બાદ ડૂબી રહેલી બોટ અને એમાં ફસાયેલા પોલીસોને બચાવી લીધા હતા.

કેળવે કોસ્ટલ પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે અશોકા નામની સ્પીડ-બોટમાં ચાર પોલીસ પૅટ્રોલિંગ કરવા માટે સમુદ્રમાં ગયા હતા. બોટ કેળવે અને દાતીવરે વચ્ચેના સમુદ્રમાં હતી ત્યારે એમાં પાણી ભરાવા લાગ્યું હતું. બોટ જમીનથી સમુદ્રમાં સાત નૉટિકલ માઇલના અંતરે હતી અને જોરદાર હવા ચાલતી હતી ત્યારે બોટમાં સવાર પોલીસે પાણીની બૉટલ કાપીને બોટમાં ભરાઈ રહેલા પાણીને ઉલેચવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આમ છતાં વધુ પ્રમાણમાં પાણી બોટની અંદર ભરાવા લાગતાં તેમણે કેળવે કોસ્ટલ પોલીસમાં ફોન કરીને મદદ માગી હતી.

પોલીસની બોટ સમુદ્રમાં ડૂબી રહી હોવાની માહિતી મળ્યા બાદ કેળવે કોસ્ટલ પોલીસની ટીમે માછીમારોની મદદથી સમુદ્રમાં બોટને શોધવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. એકાદ કલાકની શોધખોળ બાદ પોલીસની બોટ નજરે પડી હતી. બોટ નજીક પહોંચેલા માછીમારો અડધી ડૂબી રહેલી બોટને પોતાની બોટ સાથે બાંધીને કેળવે સમુદ્રકાંઠે લાવ્યા હતા અને એમાં પૅટ્રોલિંગ કરી રહેલા ચારેય પોલીસને ઉગાર્યા હતા.

કેળવે કોસ્ટલ પોલીસના ડ્યુટી ઑફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘પૅટ્રોલિંગ માટે અશોકા બોટ સાથે સમુદ્રમાં ચાર પોલીસ ગયા બાદ અચાનક બોટની અંદર પાણી ભરાવા લાગ્યું હતું. બોટમાં સવાર પોલીસે પાણી કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં નિષ્ફળતા મળતાં તેમણે મદદ માટેનો કૉલ કર્યો હતો. લાઇફ જૅકેટ પણ જોરદાર હવાને કારણે બોટમાંથી ઊડીને સમુદ્રમાં પડી ગયાં હતાં એટલે જો સમયસર મદદ ન પહોંચી હોત તો ચારેય પોલીસ મુશ્કેલીમાં મુકાઈ જાત. સદ્નસીબે માછીમારોની મદદથી અમે બોટની સાથે પોલીસને બચાવી લીધા હતા.’

mumbai mumbai news palghar