ધારાવીની ૧૦ વર્ષની બાળકીનાં ફેફસાંમાંથી ૭ વર્ષે પેનનું ઢાંકણું બહાર કાઢવામાં આવ્યું

28 July, 2026 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭ વર્ષથી જુદા-જુદા ડૉક્ટરો TB અને અસ્થમાની સારવાર આપી રહ્યા હતા, પણ કોઈને ઢાંકણું દેખાયું જ નહીં

પ્રતીકાત્મક તસવીર

ધારાવીમાં રહેતી ૧૦ વર્ષની બાળકીને છેલ્લાં ૭ વર્ષથી જુદા-જુદા ડૉક્ટરો ટ્યુબરક્યુલોસિસ (TB) અને અસ્થમાની સારવાર આપી રહ્યા હતા, જ્યારે આ બાળકીને કોઈ બીમારી હતી જ નહીં. ખરેખર તો તેનાં ફેફસાંમાં પેનનું ઢાંકણું ફસાઈ ગયું હતું જેની જાણ ડૉક્ટરોને ન થતાં તેમણે 
અલગ-અલગ નિદાન કર્યે રાખ્યાં અને દવાઓ આપ્યે રાખી હતી. ૭ વર્ષ પછી આખરે ફેફસાંમાં પેનનું ઢાંકણું હોવાની જાણ થતાં એ કાઢવામાં આવ્યું હતું. જોકે એ માટે તેનાં ફેફસાંના ટિશ્યુ ડૅમેજ થતાં ફેફસાંનો કેટલોક ભાગ પણ કાપી નાખવો પડ્યો હતો. 
બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી અને વજન ઘટવા માંડ્યું ત્યારે તેની મમ્મી મૌમિના શેખે અલગ-અલગ ડૉક્ટરોને બતાવ્યું હતું. ડૉક્ટરો દ્વારા એક્સ-રે સહિત અન્ય ટેસ્ટ કરવામાં આવી છતાં પેનનું ઢાકણું એમાં દેખાતું ન હોવાથી બાળકીને TB, અસ્થમા અને અન્ય તકલીફ હોવાનાં અલગ-અલગ તારણો પર પહોંચીને તેની સારવાર કરવામાં આવી હતી. જોકે વર્ષો સુધી અલગ-અલગ સારવાર પછી હાલમાં એક મહિલા ડૉક્ટરે 
તેનું CT સ્કૅન કરાવ્યું ત્યારે એમાં શંકા ગઈ અને એ પછી તેની બ્રૉન્કોસ્કોપી કરાઈ હતી જેમાં પેનનું ઢાંકણું ફેફસાંમાં ઊંડે ખૂંપી ગયેલું જણાઈ આવ્યું હતું. ત્યાર બાદ અન્ય સર્જ્યનોની મદદ સાથે એ પેનનું ઢાંકણું ફેફસાંમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. એ માટે ફેફસાંને થોડાં કાપવા પણ પડ્યાં 
હતાં. હવે એ બાળકીની હાલત ઘણી જ સુધારા પર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.

mumbai news mumbai dharavi