04 July, 2024 06:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ નાર્વેકર
મુંબઈગરાને હજી પણ ઓછું અને લો પ્રેશરથી પાણી મળી રહ્યું હોવાની રજૂઆત વિધાનસભ્ય આશિષ શેલારે હાલ ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં કરતાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે હવે આ સંદર્ભે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હાઇડ્રોલિક એન્જિનિયરો, મુંબઈના વિધાનસભ્યો અને પ્રધાનને શુક્રવારે તેમની કૅબિનમાં બોલાવેલી બેઠકમાં હાજર રહેવા જણાવ્યું છે.
આશિષ શેલારે આ સંદર્ભે વિધાનસભામાં રજૂઆત કરતાં કહ્યું હતું કે BMCમાં સત્તા ધરાવતી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ મુંબઈમાં ૨૪ કલાક પાણી આપવાનું આશ્વાસન આપ્યું હતું, પણ હકીકતમાં બે કલાક પણ પાણી આવતું નથી. તેમણે કહ્યું હતું કે બાંદરા-વેસ્ટમાં ૨૪ કલાક પાણી આપવાનો પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, પણ એ પૂર્ણપણે નિષ્ફળ ગયો છે. એથી તેમના બાંદરા-વેસ્ટના મતવિસ્તારના બાંદરા-વેસ્ટ, ખારદાંડા, ગઝદર બંધમાં એક કલાક પણ પાણી આવતું નથી એટલું જ નહીં; મુંબઈના અન્ય વિસ્તારોમાં પણ પાણીની અપૂરતી સપ્લાય થતી હોવાની ફરિયાદો મળી છે. તેમની આ રજૂઆતને અન્ય વિધાનસભ્યોએ સમર્થન આપ્યું હતું અને તેમણે આ સંદર્ભે આક્રમક રજૂઆત કરી હતી. એથી વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે BMCના હાઇડ્રોલિક એન્જિનિયરને મુંબઈને થતી પાણી સપ્લાયની માહિતી તાત્કાલિક સંબંધિત પ્રધાનને આપવી એવો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત આ સંદર્ભે તેમણે શુક્રવારે તેમની કૅબિનમાં બેઠક બોલાવી છે અને એમાં વિધાનસભ્યો તથા BMCના અધિકારીઓને હાજર રહેવા જણાવ્યું છે.