07 October, 2025 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
મરાઠા સમાજને કુણબી સર્ટિફિકેટ આપી અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અધર બૅક્વર્ડ ક્લાસની પાંચ અરજીઓ પર ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી હતી. એ અરજીઓ જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને સંદેશ પાટીલની બેન્ચ સામે સુનાવણી માટે આવી ત્યારે બેન્ચે એના પર સુનાવણી કરવાની ના પાડી હતી. એનું કારણ એ હતું કે જસ્ટિસ સંદેશ પાટીલે તેમને આ કેસથી દૂર રાખવામાં આવે એવું કહ્યું હતું. એથી હવે એ અરજીઓની સુનાવણી બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અણખડની બેન્ચ કરશે.
આ અરજીઓ કુણબી સમાજ, મહારાષ્ટ્ર માળી સમાજ મહાસંઘ, આહિર સુવર્ણકાર સમાજ સંસ્થા, સદાનંદ માંડલિક અને મહારાષ્ટ્ર નાભિક મહામંડલ દ્વારા કરવામાં આવી છે. તેમનો એવો દાવો છે કે સરકારે મરાઠાઓને આપેલા અનામતનો એ નિર્ણય આપખુદ, ગેરબંધારણીય હોવાથી એ પાછો ખેંચવામાં આવે. કુણબી સમાજે તેમની અરજીમાં રજૂઆત કરતાં કહ્યું છે કે સરકારના એ રેઝોલ્યુશન્સને કારણે તેમની ત્રણ કાસ્ટ કુણબી, કુણબી મરાઠા અને મરાઠા કુણબીને ઇશ્યુ કરવામાં આવતા સર્ટિફિકેટના ક્રાઇટેરિયામાં ફરક પડી જાય છે.