પાર્ટટાઇમ કામ કરીને પૈસા કમાવાની લાલચમાં મલાડના ગુજરાતી યુવકે ૬.૩૨ લાખ ગુમાવ્યા

25 January, 2023 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાડમાં રહેતા બૅન્કના ૩૬ વર્ષના સિનિયર મૅનેજર પાર્ટટાઇમ કામ કરીને પૈસા કમાવા માગતા હતા. એ માટે ગૂગલ પર શોધ કરતાં તેઓ સાઇબર ગઠિયાનો શિકાર થયા હતા.

પ્રતિકાત્મક તસવીર


મુંબઈ ઃ મલાડમાં રહેતા બૅન્કના ૩૬ વર્ષના સિનિયર મૅનેજર પાર્ટટાઇમ કામ કરીને પૈસા કમાવા માગતા હતા. એ માટે ગૂગલ પર શોધ કરતાં તેઓ સાઇબર ગઠિયાનો શિકાર થયા હતા. એમાં તેમણે ઇન્વેસ્ટ કરેલા પૈસા પર વ્યાજ કમાવાની લાલચમાં ૬.૩૨ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ ઘટનાની ફરિયાદ મલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
મલાડના એસ. વી. રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને ઍક્સિસ બૅન્કમાં સિનિયર મૅનેજરની પોસ્ટ પર કામ કરતા ૩૬ વર્ષના રોનક સતીશ શાહે કરેલી ફરિયાદ અનુસાર ૨૧ જાન્યુઆરીએ તે ઘરે હતા ત્યારે ગૂગલ પર પાર્ટટાઇમ નોકરીની શોધ કરી રહ્યા હતા. એ માટે મળેલી એક વેબસાઇટ પર પોતાનો નંબર નાખતાં થોડી વારમાં એક મહિલાનો ફોન આવ્યો હતો. તે મહિલાએ થોડી માહિતી આપ્યા બાદ એક લિન્ક મોકલી હતી. એ લિન્ક ઓપન કરતાં પૈસા ઇન્વેસ્ટ કર્યા બાદ વ્યાજ સાથે પૈસા પાછા મળશે એવી માહિતી આપવામાં આવી હતી. એ પછી રોનકે એક અકાઉન્ટમાં ધીરે-ધીરે કરી ૮૨,૦૦૦ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા, જેના વ્યાજરૂપે ૩૩૫૦ રૂપિયા રોનકને આપવામાં આવ્યા હતા. આથી વિશ્વાસ બેસી જતાં બીજા દિવસે રોનકે પોતાની પત્ની, ભત્રીજો અને સસરાના અકાઉન્ટમાંથી કુલ ૬,૩૨,૦૦૦ રૂપિયા પેલા અકાઉન્ટમાં મોકલ્યા હતા, જેના વ્યાજ સાથે ૯,૦૫,૦૦૦ રૂપિયા પાછા મેળવવા જતાં સાઇબર ગઠિયાએ આશરે ૨,૭૦,૦૦૦ રૂપિયા ટૅક્સરૂપે પહેલાં ચૂકવવા કહ્યું હતું. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં તેમણે ઇન્વેસ્ટ કરેલા પૈસા પાછા માગ્યા હતા. એ પૈસા પણ પાછા ન મળતાં મલાડ પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલી ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
મલાડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે. ફરિયાદીના જે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે એની શોધ કરવામાં આવી રહી છે.’ 

mumbai news malad