14 April, 2024 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
શૅરબજારમાં રોકાણ કરીને સારું વળતર આપવાની લાલચ આપીને એક ગુજરાતી વેપારી સાથે સાઇબર-ફ્રૉડમાં લાખો રૂપિયાની ઉચાપત થઈ છે. આ મામલે વિરાર પોલીસ-સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
વિરાર-વેસ્ટમાં રહેતા ૪૪ વર્ષના સુરેન્દ્ર શાહ નામના બિઝનેસમૅનને ૯ જાન્યુઆરીએ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. માયા નામની મહિલાએ તેમને શૅરબજારમાં રોકાણ કરવા સામે સારું વળતર આપવાની લાલચ આપી હતી. ત્યાર બાદ વેપારીને વાયકિંગ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ નામના વૉટ્સઍપ ગ્રુપમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ ગ્રુપમાં તેઓ જોડાયા હતા. આ વૉટ્સઍપ ગ્રુપમાં દરરોજ એક લિન્ક મોકલવામાં આવતી હતી. એના દ્વારા વેપારી પાસેથી નકલી શૅર-ટ્રેડિંગ ઍપ વી-ટ્રેડિંગમાં પૈસાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને સમયાંતરે તેમની પાસેથી ૩ લાખ ૪૧ હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. એમાંથી માત્ર ૩૭ હજાર રૂપિયા તેમનો વિશ્વાસ જીતવા માટે સુરેન્દ્ર શાહને પરત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને નફો મળ્યો નહોતો અને રોકાણ કરેલી રકમ પણ પાછી ચૂકવવામાં આવી નહોતી. એટલે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સુરેન્દ્ર શાહે વિરાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે માયા, રુદ્ર અને સર્વેશ શ્રીવાસ્તવ વિરુદ્ધ છેતરપિંડીની કલમ સહિત વિવિધ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
અનેક લોકોએ પૈસા ઇન્વેસ્ટ કર્યા હોવાના દરરોજ ગ્રુપમાં મેસેજ આવતા હતા. આંખ બંધ કરીને કોઈ પણ વિશ્વાસ કરે એવી વાતો આ ગ્રુપમાં થતી હતી. આ એક ખૂબ મોટી ફ્રૉડ કરતી ચેઇન છે. હું અને મારાં વકીલ પત્ની આ વિશે વધુ તપાસ કરી રહ્યાં છીએ અને એનાં જડમૂળ સુધી પહોંચવા માટે કામ કરી રહ્યાં છીએ.
- સુરેન્દ્ર શાહ