21 January, 2026 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધડાકા બાદ કેતન દેઢિયા અને મેહુલ પાસડના ઘર વચ્ચેની દીવાલ તૂટી ગઈ હતી. કેતનને ધડાકા બાદ ઘરમાંથી બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો.
પ્રચંડ વિસ્ફોટ થયો : ડોમ્બિવલીની ખતરનાક ઘટના : ૭ સોસાયટીઓ ધ્રૂજી ઊઠી : જે કચ્છી યુવાનના ઘરમાં ધડાકો થયો તેના અને પાડોશીના ઘરની કૉમન દીવાલ તૂટી ગઈ અને આગ લાગી ગઈ : બન્ને ઘરનાં ફ્રિજ, ઍર-કન્ડિશનર, વૉશિંગ મશીન વગેરે બળી ગયાં : ગૅસ ચાલુ રાખીને બહાર નીકળેલા કેતન દેઢિયા સામે પોલીસે બેદરકારીની ફરિયાદ નોંધી, પણ તે ૯૦ ટકા દાઝી ગયો છે અને તેની હાલત ગંભીર છે
ડોમ્બિવલી-ઈસ્ટના દેશલેપાડામાં આવેલી કચ્છ જૈન ફાઉન્ડેશન નવનીતનગરની W સોસાયટીમાં સોમવારે રાતે કાળજું કંપાવનારો એક ગૅસ-બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે એની અસર માત્ર એ બિલ્ડિંગ પૂરતી મર્યાદિત ન રહેતાં આસપાસની ૭ સોસાયટીઓ સુધી અનુભવાઈ હતી. આ દુર્ઘટનામાં ૪૦ વર્ષનો કેતન દેઢિયા ગંભીર રીતે દાઝી ગયો છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. માનપાડા પોલીસે આ મામલે પ્રાચી સાવલા (પાસડ)ની ફરિયાદના આધારે કેતન દેઢિયા વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે. ગૅસનું બટન ચાલુ રાખવું એ મોટી બેદરકારી હતી અને એને કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા હોત એવો દાવો પોલીસે કર્યો હતો. આ મામલે પોલીસ અને ફાયર-વિભાગ વધુ તપાસ કરી રહ્યાં છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
W સોસાયટીમાં ૫૧૧ નંબરના ફ્લૅટમાં રહેતા મેહુલ પાસડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે સાડાદસ વાગ્યે મારી પત્ની પ્રાચીને ગૅસ લીક થતો હોવાની ગંધ આવતાં તેણે આસપાસના ફ્લૅટમાં તપાસ કરી હતી, પરંતુ કશું જણાયું નહોતું. અમારા બાજુના જ ૫૧૦ નંબરના ફ્લૅટમાં કેતન દેઢિયા એકલો રહે છે અને તેમનો દરવાજો બંધ હોવાથી પ્રાચી તેમના ઘરે ન જતાં પાછી આવી ગઈ હતી. રાતે સાડાઅગિયાર વાગ્યે અચાનક કેતનભાઈના ફ્લૅટમાં જોરદાર ધડાકો થયો હતો. એ ધડાકાને લીધે આસપાસની ૭ સોસાયટીના ફ્લૅટની બારીના કાચ તૂટી ગયા હતા એટલું જ નહીં, મારા અને કેતનના ઘરનાં ફ્રિજ, ઍર-કન્ડિશનર, વૉશિંગ મશીન જેવાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયાં હતાં. આ બ્લાસ્ટને લીધે કેતન અને અમારા ઘર વચ્ચેની દીવાલ પણ તૂટી ગઈ હતી અને ઘરમાં આગ લાગી ગઈ હતી. જોકે એ વખતે એક તરફ કેતન ઘરમાં જખમી હાલતમાં જોવા મળ્યો હતો. મેં હિંમત કરીને કેતનને ઘરની બહાર ખેંચી લીધો હતો. તેને બહાર લઈ જવાના પ્રયાસમાં મારો હાથ પણ બળી ગયો હતો. પછીથી ઘટનાની જાણ થતાં માનપાડા પોલીસ-સ્ટેશનની ટીમ અને ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.’
શું કહેવું છે પોલીસનું?
માનપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સાંદીપન શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેતન સોમવારે સાંજે ભૂલથી ગૅસ ચાલુ રાખીને ઘરની બહાર નીકળી ગયો હતો. આશરે બે કલાક સુધી ગૅસ લીક થવાને કારણે આખા ઘરમાં ગૅસ ફેલાઈ ગયો હતો. રાતે સાડાઅગિયાર વાગ્યે જ્યારે કેતન ઘરે પાછો આવ્યો અને તેણે લાઇટની સ્વિચ ઑન કરી ત્યારે સ્પાર્ક થતાંની સાથે જ ઘરમાં પ્રસરેલા ગૅસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ મામલે કેતનની બાજુમાં રહેતી પ્રાચીના ઘરમાં ભારે નુકસાન થયું હોવાનું જણાતાં પ્રાચીની ફરિયાદ બાદ અમે કેતન સામે બેદરકારીની ફરિયાદ નોંધી છે. કઈ રીતે વિસ્ફોટ થયો એની યોગ્ય જાણકારી મેળવવા માટે ફાયર-વિભાગ સાથે કો-ઑર્ડિનેશન કરીને વધુ તપાસ કરી રહ્યા છીએ.’
કેતનની હાલત નાજુક
કેતનના મામા ધીરજ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટના બાદ માનપાડા પોલીસ અને ફાયર-વિભાગની ટીમે કેતનને નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. તેની હાલત ગંભીર હોવાથી પછીથી તેને સાયન હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ડૉક્ટરના કહેવા મુજબ કેતન ૯૦ ટકા જેટલો દાઝી ગયો છે અને તેની સ્થિતિ અત્યંત ગંભીર છે.’