08 April, 2026 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાંદેડ જિલ્લાના હડગાવ તાલુકાના બામાણી ગામમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની હતી. પિતા-પુત્ર વચ્ચે વિવાદ થતાં દીકરાએ તેના પિતાને સળગતા ટૂ-વ્હીલર પર ધકેલી દીધા હતા. આ ભયાનક ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિતાનું સારવાર દરમ્યાન રવિવારે મૃત્યુ થયું હતું. એના કારણે સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો.
પચીસ માર્ચે આ પરિવાર આખો દિવસ ખેતરમાં ચણા કાપવામાં વ્યસ્ત હતો. માતા-પિતા, પુત્ર અને પુત્રવધૂએ આખો દિવસ સખત મહેનત કરી હતી. સાંજે ખેતીકામને લગતું થ્રેશર મશીન આવવાનું હોવાથી પિતાએ પુત્રને ખેતરમાં જ રહેવાનું કહ્યું હતું. જોકે પિતાની વાતને અવગણીને પુત્ર ખેતરની બહાર નીકળી ગયો હતો અને દારૂ પીને પાછો ફર્યો. એ સમયે પિતા પણ નશામાં હોવાથી બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
બન્ને વચ્ચેનો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ગુસ્સે ભરાયેલા પિતાએ ખેતરમાંથી કચરો ભેગો કરીને પુત્રના ટૂ-વ્હીલરને આગ લગાડી દીધી હતી. છોકરાએ પોતાની બાઇકને નજર સામે સળગતી જોઈને પિત્તો ગુમાવ્યો હતો અને કંઈ પણ વિચાર્યા વિના તેણે પિતાને સળગતી બાઇક પર ધકેલી દીધા હતા. તેના પિતાના કપડામાં આગ લાગી જવાથી તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ૧૦ દિવસ સુધી મૃત્યુ સામે ઝઝૂમ્યા બાદ તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. આજે શોકમય વાતાવરણ વચ્ચે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.