મહાનગર ગૅસના નકલી કર્મચારીથી સાવધ રહેજો

14 April, 2026 07:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાંડુપની એક સોસાયટીમાં બીજી વાર પહોંચેલા આવા ઠગને લોકોએ મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો

ઝડપાયેલો નકલી MGL કર્મચારી

ભાંડુપમાં મહાનગર ગૅસ લિમિટેડ (MGL)ના નકલી કર્મચારી બનીને છેતરપિંડી આચરતાં એક ચોરને રહેવાસીઓએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પોલીસે આપેલી માહિતી મુજબ આ ચોર ટીમ MGL લખેલું પોલો શર્ટ પહેરીને અને ગળામાં નકલી ઓળખપત્ર લટકાવીને એક સોસાયટીમાં ઘૂસ્યો હતો. તે એક ઘરમાં ગૅસ-બિલ કે મીટર-ચેકિંગના બહાને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ સ્થાનિક રહીશે તેને ઓળખી લીધો હતો. આ ફરિયાદીના જણાવ્યા મુજબ અગાઉ પણ આ ચોરે તેના ઘરે આવીને તેની મમ્મીને વિશ્વાસમાં લઈને મોટી રકમની છેતરપિંડી કરી હતી. ફરીથી એ જ વિસ્તારમાં શિકાર શોધવા આવતાં તે પકડાઈ ગયો હતો.

આસપાસના લોકોએ તેની પૂછપરછ કરીને તેનું આઇડે​ન્ટિટી કાર્ડ માગ્યું ત્યારે તે બરાબર જવાબ આપી શક્યો નહોતો. તેની પાસે રહેલા ડૉક્યુમેન્ટ્સ પણ બનાવટી હોવાનું જણાયું હતું. રોષે ભરાયેલા લોકોએ તેને ફટકારીને ભાંડુપ પોલીસ-સ્ટેશન લઈ જઈને ફરિયાદ નોંધાવી હતી.

mumbai news mumbai Crime News mumbai crime news mumbai police