ઇન્સ્ટાગ્રામ પરથી ૬૦૦ રૂપિયામાં મગાવેલી હૅન્ડબૅગ પડી ૯૬,૯૯૦માં

30 June, 2026 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માટુંગાની ગુજરાતી યુવતી બની સાઇબર ગઠિયાઓનો શિકાર

પ્રતીકાત્મક તસવીર

માટુંગા સેન્ટ્રલ વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષની ગુજરાતી યુવતી સોશ્યલ મીડિયા પર ૬૦૦ રૂપિયામાં બ્રૅન્ડેડ હૅન્ડબૅગ ખરીદવા જતાં તેની પાસેથી સાઇબર ગઠિયાઓએ ૯૬,૯૯૦ રૂપિયા પડાવી લીધા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે માટુંગા પોલીસે ગઈ કાલે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

શું હતો ઘટનાક્રમ?
માટુંગામાં રહેતી બાવીસ વર્ષની યુવતીએ પાંચમી મેએ ઇન્સ્ટાગ્રામ પર લેડીઝ હૅન્ડબૅગની એક જાહેરાત જોઈ હતી. એની લિન્ક પર ક્લિક કરતાં જ એ વૉટ્સઍપ પર રીડાયરેક્ટ થઈ હતી, જ્યાંથી અજાણ્યા નંબર પરથી બૅગના ફોટો અને પ્રાઇસ-લિસ્ટ મોકલવામાં આવ્યાં હતાં.
મોકલેલા તમામ ફોટોમાં બૅગ બ્રૅન્ડેડ કંપનીઓની હતી જેમાંથી યુવતીએ એક બૅગ પસંદ કરી, જેની કિંમત ૬૦૦ રૂપિયા હતી. ત્યાર બાદ યુવતીએ ૬૦૦ રૂપિયા ઑનલાઇન ટ્રાન્સફર કર્યા હતા અને તેને ત્રણથી ૪ દિવસમાં ડિલિવરી મળવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
૮ મેએ યુવતીને બીજા એક અજાણ્યા નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા જેમાં સાઇબર ગઠિયાઓએ CGST, કસ્ટમ્સ ટૅક્સ, પ્રોડક્ટ વેરિફિકેશન અને ઍડ્રેસ વેરિફિકેશનના નામે પૈસા પડાવ્યા હતાં.
સાઇબર ગઠિયાઓએ યુવતીને વિશ્વાસમાં લેવા માટે એવી ખોટી ખાતરી આપી કે આ તમામ પૈસા વેરિફિકેશન પૂરું થયા બાદ તરત જ રીફન્ડ મળી જશે.
દોઢ મહિના સુધી એક પણ રૂપિયો પાછો ન મળતાં છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં યુવતીએ માટુંગા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

mumbai news mumbai instagram social media social networking site cyber crime