સ્લમવાસીઓને મોટા ઘર આપવાનું વચન: રાહુલ ગાંધી

02 March, 2019 08:37 AM IST  |  મુંબઈ

સ્લમવાસીઓને મોટા ઘર આપવાનું વચન: રાહુલ ગાંધી

ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) ના MMRDA મેદાનમાં યોજાયેલી કૉંગ્રેસની રૅલીમાં જનમેદનીને સંબોધતાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી. તસવીરો : સુરેશ કરકેરા

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરતાં કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ ગઈ કાલે મુંબઈગરાને સત્તા પર આવ્યાના બે જ દિવસમાં સ્લમ રીહૅબિલિટેશન એરિયા (SRA) અને મફતમાં ઘર પૂરા પાડતી અન્ય સરકારી યોજનાઓ હેઠળ મોટા ઘર પૂરા પાડવાનું વચન આપ્યું હતું.

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) મેદાનમાં પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયેલા ઇન્ડિયન ઍરર્ફોસના પાઇલટ વિન્ગ કમાન્ડર અભિનંદનને આવકારવા સાથે સંબોધનની શરૂઆત કરી દેશભરમાં ગરીબોને, ઓછી આવક ધરાવતા વર્ગના લોકોને સારા ઘર આપવાની બાંયધરી આપતાં રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હૈ’ના નારાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે મોદીને મીડિયા સામે ભ્રષ્ટાચાર પર સંવાદ સાધવાનું આહ્વાન કરતાં કહ્યું હતું કે મારા આહ્વાન છતાં તેઓ ચર્ચા માટે આગળ નહીં આવે કેમ કે ચોકીદાર ચોર જ નથી, ડરપોક પણ છે.

સંસદમાં રાફેલ વિશે અમે કરેલા પ્રશ્નોના તેઓ જવાબ આપી શક્યા નહોતા એમ કહેતાં નરેન્દ્ર મોદી પર તેમણે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને અન્ય બંધારણીય સંસ્થાનોના કામમાં દખલગીરી કરવાનો અને રોજગારસર્જનની તક સમાપ્ત કરવા અને નાના ઉદ્યોગ ગૃહોને અસરગ્રસ્ત કરવાનો પણ આક્ષેપ મૂક્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘નોટબંધી દ્વારા ગરીબોના ભોગે મોદીએ અનિલ અંબાણી, નીરવ મોદી, લલિત મોદી અને માલ્યા જેવા બિઝનેસમૅનને નાણાકીય લાભ કરાવી આપ્યા હતા. હકીકતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના સાશનકાળમાં ભારતની બે વર્ગમાં વહેંચણી કરી છે. એક વર્ગમાં ૧૫-૨૦ અમીરો છે, જ્યારે કે બીજા વર્ગમાં અમીરો માટે જેમનું શોષણ કરાયંં છે એ વર્ગના લોકો છે. નોટબંધી વખતે કોઈએ આ પ્રથમ વર્ગના લોકોને લાઇનમાં ઊભા રહેલા જોયા હતા એવો પ્રશ્ન કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે GST (ગબ્બર સિંહ ટૅક્સ)ને લીધે દેશમાં નાના ઉદ્યોગોની હાલત ખરાબ થઈ છે.’

ગરીબો અને વિશેષાધિકારથી વંચિત સામાન્ય લોકોની તમામ જરૂરિયાત પૂરી કરવા મારી સરકાર ઘટતા પ્રયાસો કરશે એવી ખાતરી આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘અમારી સરકાર ખેડૂતોની લોનમાફી કરશે, સ્થાનિક ઉત્પાદન અને રોજગારને પ્રોત્સાહન આપી ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડશે.’

ગઈ કાલે મુંબઈમાં રૅલીને સંબોધન કરતાં પહેલાં રાહુલ ગાંધી ધુળે પણ ગયા હતા. અહીં તેમની રૅલીમાં એક લાખ કરતાં વધુ ખેડૂતો, આદિવાસીઓ અને કામદારો હાજર રહ્યાનો દાવો તેમણે કર્યો હતો. જોકે મુંબઈની તેમની રૅલીમાં અગાઉની તુલનાએ જનમેદની પાંખી જોવા મળી હતી.

મુંબઈ એકતાનું પ્રતિક હોવાથી એ તમામ શહેરોમાં નોખું તરી આવે છે એમ જણાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મોદીજીએ સ્માર્ટ સિટી તૈયાર કરવાની વાતો કરી હતી પણ નિષ્ફળ રહ્યા હતા. હકીકતમાં મુંબઈ વિશ્વના સૌથી સ્માર્ટ સિટીમાંનું એક છે. આપણે મુંબઈની શક્તિનો ઉપયોગ કરી એને ટેકો આપવો જોઈએ.

આ પણ વાંચો : મુંબઈ: શહેરમાં હાઈ અલર્ટના પગલે મહારાષ્ટ્ર સરકારે બજેટસત્ર ટૂંકાવ્યું

કૉંગ્રેસને ચૂંટણીમાં જિતાડવા મુંબઈગરા સમક્ષ મતની અપીલ કરતાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે જાહેરાત કરી હતી કે ‘મોટા ઘર આપવાનો નિર્ણય તમામ સરકારી યોજનાઓને લાગુ પડે છે તથા ઘરનું કદ હાલના ૨૬૯ ચોરસ ફીટને બદલે ૫૦૦ ચોરસ ફીટ રહેશે.’

rahul gandhi mumbai news bandra congress