હું શિવાજીનો માવળો છું : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

27 April, 2019 07:15 AM IST  |  મુંબઈ

હું શિવાજીનો માવળો છું : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

બીકેસીમાં ગઈ કાલે યોજાયેલી ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરેએ હળવી પળો માણી હતી. તસવીર : નિમેશ દવે

‘હું છત્રપતિ શિવાજી મહારાજનો માવળો છું. આતંકવાદીઓને પાતાળમાં ઘૂસીને મારીશ. જાહેરમાં કહું છું કે હું જે બોલું છું એ કરી બતાવું છું અને ભવિષ્યમાં પણ મુંબઈ કે દેશ સામે બૂરી નજર કરનારાઓને નહીં છોડું.’

આ શબ્દો હતા ગઈ કાલે મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના ગ્રાઉન્ડમાં આયોજિત વિજય સંકલ્પ સભામાં કૉંગ્રેસ પર આકરા પ્રહાર કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના. મુંબઈની સુરક્ષા કરનારા પોલીસ તથા પાંચ-પાંચ દાયકાથી સુરક્ષાથી માંડીને વિવિધ અગવડનો સામનો કરીને ઈમાનદારીથી રહેતા મિડલ ક્લાસના લોકોનો પણ નરેન્દ્ર મોદીએ આભાર માન્યો હતો.

વડા પ્રધાને અગાઉની સરકારો અને અત્યારની સરકાર વચ્ચેની સરખામણી કરતાં કહ્યું હતું કે ‘૨૦૦૯ અને ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી હતી ત્યારે આઇપીએલ સલામતીનું કારણ આગળ ધરીને વિદેશમાં રમાડવામાં આવી હતી. અત્યારે આઇપીએલ, લોકસભાની ચૂંટણી, ચૈત્રી નવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતી અને થોડા સમય બાદ રમજાન મહિનો આવશે એ બધું એકસાથે હોવા છતાં સિક્યૉરિટીનો કોઈને ડર નથી. બધા સલામતી મહેસૂસ કરી રહ્યા છે. એ સમયે પણ આ જ પોલીસ અને આ જ સિક્યૉરિટી હતી. કૉંગ્રેસે એ સમયે હાથ ઉપર કરી દીધા હતા, જ્યારે અત્યારે કેન્દ્રમાં મજબૂત સરકાર છે જેણે તમામ સિક્યૉરિટી એજન્સીઓને એમની રીતે કામ કરવાની છૂટ આપી છે એથી પોલીસમાં વિશ્વાસ પેદા થયો છે.’

કસં કાય મુંબઈ? સર્વ કાહી ઠીક આહે ના? કહીને મરાઠી ભાષામાં ભાષણની શરૂઆત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘વિપક્ષો આજના યુવાનોની નસ પકડવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. ૨૦મી સદીના અંત કે ૨૧મી સદીની શરૂઆતમાં જન્મનારા યુવાનોમાં ભરપૂર ટૅલન્ટ છે, જે પારખીને અમે તેમને માટે ડિજિટલથી માંડીને અનેક યોજના બનાવીને તેમને એક દિશા આપી છે. આ યુવાનો જ ભવિષ્યમાં ભારતના ઘડતરમાં મહkવની ભૂમિકા ભજવશે.’

આજે બપોરે નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઉમેદવારી-ફૉર્મ ભર્યું ત્યારે શિવસેનાના પ્રમુખ ખાસ હાજર રહ્યા હતા એનો સભામાં મોદીએ આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે મારો નાનો ભાઈ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની કોઈ સામાન્ય ચૂંટણી નથી, એ ભારતની દિશા નક્કી કરનારી છે.’

મુંબઈના મધ્યમ વર્ગના લોકો વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘લાંબા સમયથી અહીં રહેતા લોકો લોકલ ટ્રેનની ભીડ, ટ્રાફિક અને ભય સહિતની સમસ્યાનો સામનો કરતા હતા. ૨૬/૧૧નો આતંકવાદી હુમલો થયા બાદ બે-ત્રણ દિવસમાં જ લોકો કામે ચડી ગયા હતા, પરંતુ તેમના મનમાં ગુસ્સો હતો કે વારંવાર હુમલો કરનારા આતંકવાદીઓ સામે કેમ કોઈ નક્કર કાર્યવાહી નથી થતી. ૨૦૧૪માં બીજેપીની આગેવાનીમાં એનડીએની સરકાર આવી ત્યારથી દેશ સામે ખરાબ નજર રાખનારાઓને ખતમ કરવામાં આવી રહ્યા છે એથી લોકોમાં હવે વિશ્વાસ જાગ્યો છે.

કૉંગ્રેસની અત્યારની હાલત વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉંગ્રેસને ૨૦૧૪માં સૌથી ઓછી ૪૪ બેઠક મળી હતી, જ્યારે ૨૦૧૯માં દેશનો સૌથી જૂનો રાજકીય પક્ષ સૌથી ઓછી બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે. તમામ સર્વેને જોઈએ તો કૉંગ્રેસને ૪૦થી ૫૦ બેઠક મળશે.’

પોલીસ વિશે વડા પ્રધાને ઉમેર્યું હતું કે ‘સ્વતંત્રતા બાદથી અત્યાર સુધી લોકોની સેવામાં ૩૫,૦૦૦ પોલીસ શહીદ થયા છે. તેમને કૉંગ્રેસે ક્યારેય સન્માન નથી આપ્યું. દેશ અને નાગરિકો માટે પોતાનો જીવ આપી દેનારા આવા બહાદુર જવાનો માટે અમે દિલ્હીમાં એક રાષ્ટ્રીય સ્મારક બનાવ્યું છે. સરકારના આ પ્રકારના પ્રયાસથી સુરક્ષા-કર્મચારીઓમાં વિશ્વાસ પેદા થાય છે.’

આ પણ વાંચો : દક્ષિણ મુંબઈના વેપારીઓને મિલિંદ દેવરા પર વિશ્વાસ

વિજય સંકલ્પ સભામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ આગવી શૈલીમાં બીજેપીની સરકારે દેશ માટે કરેલાં કામો ગણાવીને મતદારોને ફરી એક વખત મુંબઈની તમામ બેઠકો પર વિજયી બનાવવાની અપીલ કરી છે.

bandra uddhav thackeray narendra modi shiv sena bharatiya janata party mumbai news