મુંબઈ: શહેરમાં હાઈ અલર્ટના પગલે મહારાષ્ટ્ર સરકારે બજેટસત્ર ટૂંકાવ્યું

01 March, 2019 11:48 AM IST  |  મુંબઈ

મુંબઈ: શહેરમાં હાઈ અલર્ટના પગલે મહારાષ્ટ્ર સરકારે બજેટસત્ર ટૂંકાવ્યું

દેવેન્દ્ર ફડણવીસ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા વાતાવરણને પગલે સિક્યૉરિટીનાં કારણોસર મહારાષ્ટ્ર સરકારે બજેટસત્ર વચ્ચેથી પૂરું કરવાની જાહેરાત કરી છે. દેવેન્દ્ર ફડણવીસ સરકારનું વચગાળાનું બજેટ ગુરુવારે રજૂ થયું હતું અને કોઈ પણ જાતની ચર્ચા વગર એ પાસ કરી દેવામાં આવ્યું હતું. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટના પગલે મુંબઈમાં હાઈ અલર્ટ જાહેર કર્યા બાદ કોઈ પણ જાતના ખતરાને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિરોધપક્ષો અને પોલીસ અધિકારીઓ સાથે યોજોલી મીટિંગ બાદ બજેટસત્ર વહેલું પૂÊરું કરવાની જાહેરાત કરી હતી. બજેટસત્ર ૨૫ ફ્રેબ્રુઆરીથી ૨ માર્ચ સુધી ચાલવાનું હતું. પાકિસ્તાને ભારતીય હવાઈ દળના પાઇલટને બાનમાં લીધા બાદ તેની સાથે ભારતના સંબંધો વધુ ગંભીર થઈ ગયા છે. બજેટસત્રને કારણે વિધાનસભામાં સુરક્ષામાં તહેનાત લગભગ ૬૦૦૦ પોલીસ કર્મચારીઓને શહેરની સુરક્ષામાં ઉપયોગ કરી શકાશે. મુંબઈમાં પોલીસને મળેલી ગુપ્ત બાતમી અનુસાર ભીડવાળાં ૫૦ સ્થળો પર વધારાના પોલીસદળની જરૂર પડશે. ભારતે મંગળવારે કરેલી ઍર-સ્ટ્રાઇક બાદ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ અને રેપિડ ઍક્શન ફોર્સની સાથે શહેરના સંવેદનશીલ એરિયામાં ફ્લૅગ માર્ચ યોજાશે.

નૅવીએ રાજ્ય સરકારને ગેટવે ઑફ ઇન્ડિયા પર રાઇડ્સ બંધ કરવાની સૂચના આપી છે. ભાભા ઍટોમૅટિક રિસર્ચ સેન્ટર, તારાપુર ઍટોમૅટિક સ્ટેશન, ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ તેમ જ અતિ ભીડવાળાં રેલવે-સ્ટેશનો પર સુરક્ષા વધારવામાં આવી છે.

આ પણ વાંચો : આતંકવાદી હુમલાની મુંબઈ મેટ્રો પર દહેશત

રાજ્યના મચ્છીમારોને દરિયાઈ વિસ્તારમાં અજાણી બોટ અને શંકાસ્પદ હિલચાલ વિશે તેમ જ મચ્છી પકડવા માટે મૅરિટાઇમ બોર્ડે સમુદ્રમાં ઇન્ટરનૅશનલ બાઉન્ડ્રીથી દૂર રહી મચ્છીમારી કરવા આદેશ આપ્યો છે.

devendra fadnavis mumbai news