ઠાકરે પરિવારના યંગેસ્ટ સભ્ય પાસે 16 કરોડની છે સંપત્તિ

04 October, 2019 10:51 AM IST  |  મુંબઈ

ઠાકરે પરિવારના યંગેસ્ટ સભ્ય પાસે 16 કરોડની છે સંપત્તિ

આદિત્ય ઠાકરે

ઠાકરે પરિવારનો કોઈ પણ સભ્ય ચૂંટણીના મેદાનમાં ઊતર્યો ન હોવાથી ઠાકરે પરિવારની મિલકત કેટલી છે એની જાણ હજી સુધી ક્યારે પણ જાણવા મળી નથી. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ચિરંજીવ અને શિવસેનાની યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેએ ગઈ કાલે વરલી વિધાનસભા મતદાનક્ષેત્રમાંથી નામાંકનપત્ર ભર્યું હતું. નામાંકનપત્ર ભરનારા તમામ ઉમેદવારે પોતાની મિલકતને જાહેર કરવાની રહેતી હોવાથી આદિત્ય ઠાકરેએ પણ પોતાની સંપત્તિને જાહેર કરી હતી. આદિત્ય ઠાકરેએ જાહેર કરેલી સંપત્તિ પ્રમાણે તેની પાસે ૧૬ કરોડની સંપત્તિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વરલી વિધાનસભા મતક્ષેત્રના ગુજરાતી મતદારોને રીઝવવા માટે આદિત્ય ઠાકરેનું ગુજરાતીમાં લખાયેલું ‘કેમ છો વરલી’ વિવાદનું કેન્દ્ર બન્યું હતું અને વિરોધીઓએ આ પોસ્ટરને લઈને ભારે શોરબકોર કર્યો હતો.

આદિત્ય ઠાકરેએ ગઈ કાલે વરલી મતદારસંઘમાંથી ઉમેદવારી માટેની અરજી રજૂ કરી હતી. અરજીની સાથે તેમણે સોગંદનામા પત્ર દ્વારા પોતાની સંપત્તિનું વિવરણ પણ આપ્યું હતું. આદિત્યએ કુલ ૧૧.૩૮ કરોડની સંપત્તિ હોવાનું જણાવ્યું હતું. એમાંથી ૧૦.૩૯ કરોડ બૅન્કમાં, બૉન્ડ અને શૅર્સમાં ૨૦.૩૯ લાખનું રોકાણ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત ૪.૬૭ કરોડ સ્થાવર મિલકત આદિત્યની માલિકીની છે. આ ઉપરાંત આદિત્ય ઠાકરે પાસે લેવિશ બીએમડબ્લ્યુ કાર છે જેની કિંમત ૬.૫૦ લાખ છે. આદિત્યએ પોતાની પાસે ૬૪.૬૫ લાખનાં ઘરેણાં હોવાનું તેમ જ અન્ય સંપત્તિ ૧૦.૨૨ લાખની હોવાનું પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું. આદિત્ય ઠાકરેએ વિધાનસભાની ચૂંટણી લડવાનું નક્કી કરતાં ઠાકરે પરિવારમાંથી કોઈ એક વ્યક્તિની સંપત્તિ પ્રથમ વાર જાહેર થઈ હતી.

આ પણ વાંચો : બીજેપી ને શિવસેનાની યુતીમાં ફડણવીસે મહત્વનો રોલ ભજવ્યો

આદિત્યને ટક્કર આપશે સુરેશ માને

શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે વિધાનસભાની ચૂંટણીમાં સરળ રીતે વિજયી થાય એ માટે શિવસેનાના નેતા સંજય રાઉતે બિછાવેલાં પાસાં કદાચ ઊંધાં પડી શકે છે, કારણ કે ભલે ભત્રીજા માટે કાકા અને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ વરલી પર પોતાનો ઉમેદવાર ઊભો ન રાખવાનું નક્કી કર્યું હોય, પણ એનસીપીએ વરલીની બેઠક પરથી લડવાની તૈયારી દાખવી છે. એનસીપી દ્વારા બહુજન રિપબ્લિકન સોશ્યલિસ્ટ પાર્ટીના નેતા સુરેશ માનેને ઉમેદવારી આપવાની મજબૂત શક્યતા જણાઈ રહી છે. આને કારણે આદિત્ય ઠાકરે માટે વરલીની બેઠક પરથી ચૂંટણી લડવી એ લોઢાના ચણા ચાવવા જેવી વાત થઈ જશે.

aaditya thackeray mumbai mumbai news shiv sena