મુંબઈ: પાલઘરમાં એસટી બસ ઝાડ સાથે ભટકાતાં 50 ઘાયલ

14 August, 2019 03:31 PM IST  |  મુંબઈ

મુંબઈ: પાલઘરમાં એસટી બસ ઝાડ સાથે ભટકાતાં 50 ઘાયલ

વિદ્યાર્થી

પાલઘરમાં મંગળવારે એક એસટી બસનો ઍક્સિડન્ટ થવાને કારણે ૫૦ ઉતારુઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોટા ભાગના ઉતારુઓ વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું હતું. રસ્તો ઓળંગી રહેલી એક યુવતીને બચાવવા જતાં એસટી-ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ડિવાઇડર ઓળંગીને બીજા રસ્તા પર ફંટાઈ ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતને કારણે બસનો કચ્ચરઘાણ વળી ગયો છે. અકસ્માતમાં બસ-ડ્રાઇવર પણ જખમી થયો હતો. વાડા પોલીસે બસ-ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : મુંબઈના ગુજરાતી શહીદને સાવ અનોખી વીરાંજલિ

વાડા પોલીસ-સ્ટેશનના એપીઆઇ ગોવિંદ બોર્ડેએ અકસ્માતની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘મંગળવારે સવારે ૭ વાગ્યે એસટીનો ઍક્સિડન્ટ થયો હતો. બસ પૂરપાટ વેગે દોડી રહી હતી એ સમયે એક યુવતી રસ્તો ઓળંગી રહી હોવાનું ધ્યાનમાં આવતાં ડ્રાઇવરે તેને બચાવવાની કોશિશ કરી હતી. એને લીધે તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ ડિવાઇડર સાથે અથડાઈને બીજા રસ્તા પર ફંગોળાઈ હતી અને સીધી ઝાડ સાથે અથડાઈ હતી. ઘાયલોને વાડા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉતારુઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી અને એમાંના બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ છે અને બન્નેને થાણેની સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે.’

palghar mumbai mumbai news