ફડણવીસ રાહત કામગીરી માટે કેન્દ્ર સરકાર પાસે 6813 કરોડની માગણી કરશે

14 August, 2019 03:35 PM IST  |  કોલ્હાપુર, મુંબઈ

ફડણવીસ રાહત કામગીરી માટે કેન્દ્ર સરકાર પાસે 6813 કરોડની માગણી કરશે

કોલ્હાપુર

પૂરમાં અસાધારણ વિનાશ સહન કરનારા કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં બચાવકાર્ય સમેટાઈ રહ્યું છે ત્યારે સરકારે રાહત-કામગીરી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્ર સરકાર પાસે ૬૮૧૩ કરોડ રૂપિયાના રાહત પૅકેજની માગણી કરનાર હોવાનું ગઈ કાલે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાને પ્રધાનમંડળની સાપ્તાહિક બેઠક બાદ જણાવ્યું હતું કે ‘પૂરરાહતનાં પૅકેજ માટે બે દરખાસ્તો કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. કોલ્હાપુર, સાતારા અને સાંગલી માટે ૪૭૦૮ કરોડ રૂપિયાની અને કોકણ, નાશિક તથા રાજ્યના અન્ય જિલ્લા માટે ૨૧૦૫ કરોડ રૂપિયાની સહાય માગવામાં આવશે. રાહતનાં પૅકેજ માટેનું આવેદનપત્ર કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે, પરંતુ એટલો વખત રાહત-કામગીરીનો ખર્ચ રાજ્ય સરકારની તિજોરીમાંથી કરવામાં આવશે.’

અતિવર્ષાને કારણે નદીઓમાં આવેલાં પૂરને કારણે કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયું છે. એ બે જિલ્લામાં પૂરને કારણે ૪૩ જણ મૃત્યુ પામ્યા છે. એ બન્ને જિલ્લામાં પૂરનું પાણી ધીરે ધીરે ઓસરી રહ્યું હોવાથી સરકારી તંત્ર પૂરગ્રસ્તોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો મોકલવાની જોગવાઈ કરી રહ્યું છે.

આ પણ વાંચો : મુંબઈ: પાલઘરમાં એસટી બસ ઝાડ સાથે ભટકાતાં 50 ઘાયલ

કોલ્હાપુરના રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટર સંજય શિંદેએ જણાવ્યું હતું કે ‘જિલ્લામાં રાહતકાર્ય સમેટાઈ રહ્યું છે. મુંબઈ અને બૅન્ગલોર વચ્ચેનો નૅશનલ હાઇવે નંબર ૪ ખુલ્લો થતાં વાહન વ્યવહાર ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે.

kolhapur maharashtra sangli devendra fadnavis