26 July, 2023 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોરેગામની ફિલ્મસિટીના રસ્તાઓ પર ખાડા પડ્યા હોવાથી એની હાલત ખૂબ કથળી ગઈ છે.
મુંબઈ ઃ મુંબઈભરના રસ્તાઓ પર ખાડા પડવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે ગોરેગામમાં આવેલી દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી એટલે કે ફિલ્મસિટીના રસ્તાઓ પર પણ ખાડા પડી હોવાનું જાણવા મળ્યું છે. ગોરેગામ (ઈસ્ટ)માં આવેલી ફિલ્મસિટીમાં રોજ અનેક ફિલ્મો અને ટીવી-સિરિયલોનું શૂટિંગ થાય છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના નાના-મોટા કલાકારો અને સુપરસ્ટાર્સ અહીં શૂટિંગ કરવા આવે છે, પરંતુ અહીંના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીંથી પસાર થતી વખતે કોઈ પણ સુપરસ્ટાર ‘હે રામ’ બોલી ઊઠે છે. ફિલ્મસિટીની અંદર જતા આ રોડ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. વરસાદ પડે એટલે તરત જ એમાં પાણી ભરાઈ જાય છે અને આવતા-જતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. જોકે વહીવટી તંત્ર આ ખાડાઓ તરફ ધ્યાન આપી રહ્યું ન હોવાનું કહેવાય છે. એથી ફિલ્મસિટીના આ રોડ પરના ખાડા ક્યારે પુરાશે એની રાહ જોવાઈ રહી છે. અહીં કામ કરતા એક સ્ટાફે જણાવ્યું હતું કે ‘વરસાદ પડે ત્યારે તો આ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં એ વધુ જોખમી બની જાય છે અને વાહનોને અવરજવર કરતી વખતે હાલાકી ભોગવવી પડે છે. એથી ફિલ્મસિટી રોડ પરના ખાડા પુરાય એની અમે રાહ જોઈ રહ્યા છીએ.’
એમએનએસના એક નેતા અમેય કોપકરે પણ ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મસિટીને કારણે મુંબઈને માયાનગરી કહેવામાં આવે છે. અહીં ૪૨ આઉટડોર શૂટિંગ લોકેશન અને ૧૬ સ્ટુડિયો ફ્લોર છે. ટીવી-સિરિયલો અને ફિલ્મોનાં શૂટિંગ માટે ઉપનગરોમાંથી હજારો લોકો અહીં આવે છે, પરંતુ તેમણે આવા ખરાબ રસ્તાઓ પરથી પસાર થવું પડે છે. રાજકારણીઓને આ ખાડાઓ દેખાતા નથી? તમે સુવિધાઓ ન આપી હોવાથી આવતી કાલે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી રાજ્યમાંથી બહાર નીકળી જાય તો ભૂલ કોની કહેવાશે?’