07 October, 2025 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જાન્યુઆરી મહિનાની આસપાસ યોજાનારા ઇલેક્શનની તૈયારીઓ પુરજોશમાં, ૭૦,૦૦૦ વ્યક્તિનો સ્ટાફ ચૂંટણીની ડ્યુટીમાં જોડાશે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આગામી ચૂંટણી માટે ૨૨૭ વિભાગ (વૉર્ડ)ની રચનાને રાજ્યના ચૂંટણીપંચે મંજૂરી આપી છે. સોમવારે અધિકૃત રીતે નવા વૉર્ડની રચનાની વિગતો મહારાષ્ટ્ર સરકારના ગૅઝેટમાં રજૂ કરવામાં આવી હતી તેમ જ BMCની ઑફિશ્યલ વેબસાઇટ પર પણ આ વિશે માહિતી આપવામાં આવી હતી.
આૅક્ટોબરના અંત સુધીમાં લૉટરીની પ્રક્રિયા
BMCની ચૂંટણી માટે સીમાંકનની પ્રક્રિયા પૂરી થતાં ભારતના સૌથી અમીર કૉર્પોરેશનની ચૂંટણીની ગતિવિધિઓને વેગ મળ્યો છે. ચૂંટણીપંચે બાવીસમી ઑગસ્ટે સીમાંકન અંગેનું ડ્રાફ્ટ-નોટિફિકેશન જાહેર કર્યું હતું. એમાં BMC વૉર્ડની પ્રસ્તાવિત ભૌગોલિક સીમાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ૪ સપ્ટેમ્બર સુધી વૉર્ડની રચના અંગે સૂચનો અને વાંધાઓ મગાવવામાં આવ્યાં હતાં જેના પર ૧૧ અને ૧૩ સપ્ટેમ્બર સુધી ચૂંટણીપંચે સુનાવણી કરી હતી. ત્યાર બાદ વૉર્ડની રચના પર આખરી નિર્ણય લેવામાં આવ્યો હતો.
સીમાંકનની પ્રક્રિયા બાદ હવે પછીના તબક્કામાં ચૂંટણીપંચ શેડ્યુલ કાસ્ટ (SC), શેડ્યુલ ટ્રાઇબ (ST) અને અધર બૅકવર્ડ કાસ્ટ (OBC) બેઠક માટે ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં લૉટરીની પ્રક્રિયા હાથ ધરશે.
સુપ્રીમની ફટકાર પછી BMC ઍક્શનમાં
BMC સમયમર્યાદા ચૂકી જતાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ચૂંટણીપંચનો કાન આમળ્યો હતો તેમ જ ૩૧ જાન્યુઆરી સુધીમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાઈ જવી જોઈએ એવો આદેશ આપ્યો હતો. એના પગલે ચૂંટણીપંચે ઇલેક્શન પહેલાંની પ્રક્રિયાઓને વેગ આપ્યો છે. અત્યાર સુધીમાં ૬૦૦૦ બુથ લેવલ ઑફિસર અને ૪૦૦૦ કર્મચારીઓને ચૂંટણીની ખાસ ડ્યુટી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓ સહિત કુલ ૭૦,૦૦૦ વ્યક્તિનો સ્ટાફ BMCની ચૂંટણી માટે ફરજ બજાવશે. BMCની ચૂંટણી જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં યોજાય એવી અટકળો છે.