દીકરાની હત્યાની શંકા : કઝિને ફૅમિલીના જ સાતના મર્ડર કર્યા

26 January, 2023 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જમવામાં બેહોશીની દવા નાખ્યા બાદ ચાર જણને ગળું દબાવીને મારી નાખ્યા તો ત્રણ બાળકોને પુલ પરથી નદીમાં ફેંક્યાં : પુણેમાં બદલાની ભાવનામાં કરવામાં આવેલી સામૂહિક હત્યાના બનાવથી અરેરાટી ફેલાઈ

મૃત્યુ પામેલાં મોહન પવાર, પત્ની સંગીતા તેમ જ પુત્રી અને જમાઈ

પુણેના દૌંડ વિસ્તારમાંથી વહેતી ભીમા નદીમાંથી છ દિવસમાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. પહેલાં લાગ્યું હતું કે કોઈ પરિવારે નદીમાં ઝંપલાવીને સામૂહિક આત્મહત્યા કરી હશે. જોકે બાદમાં જણાયું કે આ પરિવારના કુટુંબીભાઈએ જ તેના સાથીઓની મદદથી ત્રણ બાળક સહિત સાત લોકોને મોતને ઘાટ ઉતારીને તેમના મૃતદેહ નદીમાં ફેંકી દીધા છે. આથી પોલીસે આ મામલામાં એક મહિલા સહિત પાંચ આરોપીની ગઈ કાલે ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં જણાયું છે કે પુત્રના મોત માટે આ પરિવાર જવાબદાર હોવાની શંકાથી સાતેયને ઠંડે કલેજે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પુણે ગ્રામીણની યવત પોલીસના જણાવ્યા મુજબ અહમદનગર જિલ્લાના પારનેર તાલુકાના નિઘોજ ગામમાં મોહન પવાર પત્ની સંગીતા, પુત્રી રાણી, જમાઈ શામ ફુલવરે અને તેમનાં બાળકો રિતેશ, કૃષ્ણા અને છોટુ સાથે રહેતો હતો. આ તમામના મૃતદેહ પારગાવમાંથી વહેતી ભીમા નદીમાંથી છ દિવસના અંતરે મળી આવ્યા હતા. મોહન પવારના પુત્રે નજીકના ગામમાં રહેતી એક પરિણીત મહિલા સાથે સંબંધ બાંધ્યા હોવાથી બદનામીના ડરથી મોહન પવારે પત્ની, પુત્રી, જમાઈ અને તેમનાં સંતાનો સાથે નદીમાં ઝંપલાવીને સામૂહિક આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. જોકે બાદમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં જણાયું હતું કે મોહન પવારના પિતરાઈ ભાઈએ જ તેના સહયોગીઓની મદદથી આ હત્યા કરી હતી. આથી આ સામૂહિક હત્યાકાંડના મામલામાં પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

જમવામાં બેહોશીની દવા નાખી
યવત પોલીસની તપાસમાં જણાયું છે કે આરોપીઓએ હત્યા કરતાં પહેલાં બધાને જમવાનું આપ્યું હતું. મોહન પવારનો પરિવાર જેને ઓળખતો હતો એવી એક મહિલાએ બેહોશીની દવા ભોજનમાં મિલાવી હતી. આથી બધા જમ્યા બાદ થોડા સમયમાં બેહોશ થઈ ગયા હતા.

ગળું દબાવીને હત્યા કરાઈ
પોલીસની માહિતી મુજબ આરોપીઓએ બેહોશ થઈ ગયેલા મોહન પવાર, તેની પત્ની સંગીતા, પુત્રી રાણી અને જમાઈ શામ ફુલવરેની ગળું દબાવીને હત્યા કરી હતી. બધા મૃત્યુ પામ્યા બાદ આરોપીઓએ મૃતદેહને સગેવગે કરવાનો પ્લાન બનાવ્યો હતો અને બધાને એક જીપમાં નાખીને ભીમા નદીના કિનારે ગયા હતા.

બાળકોને નદીમાં જીવતાં ફેંક્યાં
પોલીસે આરોપીઓનાં લીધેલાં નિવેદન મુજબ તેમણે ચાર લોકોની ઘરમાં જ ગળું દબાવીને હત્યા કરી હતી, જ્યારે ત્રણથી સાત વર્ષનાં બાળકોને બેહોશીની હાલતમાં જ ચાર મૃતદેહ સાથે જીપમાં નાખીને નદીના કાંઠે લાવવામાં આવ્યાં હતાં. અહીં પહેલાં ચાર મૃતદેહને નદીમાં ફેંક્યા હતા અને બાદમાં ત્રણેય બાળકોને જીવતેજીવ નદીમાં ફેંકીને આરોપીઓ પલાયન થઈ ગયા હતા.

પુત્રની હત્યાનો બદલો
પોલીસના જણાવ્યા મુજબ મોહન પવારના પુત્ર સાથે આરોપીનો પુત્ર બહારગામ ગયો હતો ત્યારે ઍક્સિડન્ટ થયો હતો. અકસ્માતમાં પુત્રનું મૃત્યુ થયું હતું, પણ આરોપીને શંકા હતી કે મોહન પવારે તેના પર જાદુટોણા કરાવીને હત્યા કરી છે. આથી બદલો લેવા માટે આરોપીએ એક મહિલા અને બીજા ત્રણ સાથીની મદદથી મોહન પવારના આખા પરિવારની હત્યા કરી હોવાનું તેણે કબૂલ્યું છે.

આરોપીઓમાં ૪ ભાઈ અને ૧ બહેન
મોહન પવાર અને તેના પરિવારની હત્યા કરવાના આરોપસર યવત પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. અશોક પવાર, શ્યામ પવાર, શંકર પવાર, પ્રકાશ પવાર અને કાંતાબાઈ જાધવ આ પાંચ આરોપીમાં ચાર ભાઈ અને એક બહેનનો સમાવેશ છે. અશોક પવારના પુત્ર ધનંજય પવારનું થોડા મહિના પહેલાં મૃત્યુ થયું હતું. તેના મૃત્યુ માટે મોહન પવારનો પુત્ર અમોલ જવાબદાર હોવાની તેને શંકા હતી. આથી બદલાની ભાવનાથી તેણે પોતાના ત્રણ ભાઈ અને એક બહેનની મદદથી આ હત્યાકાંડને અંજામ આપ્યો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે. આ કેસમાં વધુ આરોપીઓ હોવાની શક્યતા પોલીસ ચકાસી રહી છે.

પહેલાં આત્મહત્યાનો અને હવે હત્યાનો કેસ
મોહન પવાર સહિત પરિવારના સાત લોકોના મૃતદેહ ભીમા નદીમાંથી ૨૦૦થી ૩૦૦ મીટરના અંતરે હાથ લાગ્યા હતા ત્યારે પોલીસને શંકા હતી કે તેમણે સામૂહિક રીતે નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હશે. જોકે બાદમાં પુણે ગ્રામીણની યવત પોલીસની તપાસમાં જણાયું હતું કે મોહન પવાર અને તેના પરિવારે આત્મહત્યા નહોતી કરી, પણ તેમની સામૂહિક હત્યા કરવામાં આવી છે. મોહન પવારના પિતરાઈ ભાઈએ તેના સાથીઓ સાથે મળીને બધાને મોતને ઘાટ ઉતાર્યા હતા.

mumbai mumbai news pune pune news Crime News maharashtra