૫૦ વર્ષ પૂરાં કરનારી શોલેના શૂટિંગની રસપ્રદ વાતો નવી મુંબઈના ગામવાસીઓમાં આજે પણ ચર્ચાનો વિષય

17 August, 2025 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેમા માલિનીને જોવાનું આકર્ષણ રહેતું, ધર્મેન્દ્ર તેની બિરયાની ગામવાસીઓને આપીને તેમનું દેશી ભોજન કરતો, સ્કૂલ અને કૉલેજમાં ગુટલી મારીને સાઇકલ પર શૂટિંગ જોવા પહોંચી જતા

ફિલ્મનો સીન

હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની માસ્ટરપીસ કહી શકાય એવી એવરગ્રીન ‘શોલે’ને ગઈ કાલે ૫૦ વર્ષ થયાં. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ બૅન્ગલોરથી ૫૦ કિલોમીટર દૂર આવેલા ગામડામાં થયું હતું, પણ ઘણાબધા એવા સીન હતા જેમનું શૂટિંગ નવી મુંબઈના પનવેલ-ઉરણ રોડ પર આવેલા બાંબવી પાડા અને વખત જતાં બૉમ્બેપાડા તરીકે ઓળખાતા થયેલા નાના એવા ગામમાં થયું હતું. ગામના અનેક લોકો હજી એ શૂટિંગને યાદ કરી રહ્યા છે.

મૂળમાં ચોખાની ખેતી અને માછીમારી કરતા આ નાના એવા ગામના લોકોએ ‘શોલે’ રિલીઝ થઈ એ પહેલાં ૧૯૭૨માં જ એનું લાઇવ શૂટિંગ જોયું હતું.

અત્યારે ૬૨ વર્ષના થયેલા ગામવાસી સંજય શેલારે કહ્યું હતું કે ‘એ વખતે જૂના પનવેલની પ્રવીણ હોટેલમાં કલાકારો રોકાતા હતા અને હોટેલની પાછળ ઘોડા રાખવા ખાસ તબેલો બનાવવામાં આવ્યો હતો. ધર્મેન્દ્ર તેની બિરયાની અમને આપી દેતો અને અમે તેના માટે સૂકી માછલીની ડિશ અને ચોખાના લોટનો રોટલો લઈ જતા. બસંતીનો રોલ ભજવતી હેમા માલિની જય અને વીરુ (અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર)ને સ્ટેશનથી રામગઢ તેના ટાંગામાં લઈ જાય છે એ સીન પણ ઉરણ સ્ટેશનની નજીક જ શૂટ કરવામાં આવ્યો હતો. ગામની સ્કૂલના વિદ્યાર્થીઓ અને અનેક યુવાનો મોટી સંખ્યામાં સ્કૂલ-કૉલેજમાં ગુટલી મારીને સાઇકલ પર શૂટિંગ જોવા પહોંચી જતા. સૌથી મોટું આકર્ષણ હેમા માલિનીને જોવાનું રહેતું. એ વખતે તે સ્ટાર હતી. આ ઉપરાંત વીરુ બસંતીને આંબાવાડીમાં ગન ચલાવવાનું શીખવાડે છે એ સીન પણ નજીકના ચિંચપાડાની આંબાવાડીમાં શૂટ કરવામાં આવ્યો હતો. જોકે હવે સમય જતાં એ આંબાવાડી નથી રહી. ત્યાં મોટું​ ગૅરેજ ખૂલી ગયું છે. એટલું જ નહીં, જગદીપનો સુરમા ભોપાલીવાળો યાદગાર લાકડાંની વખારનો સીન પણ અહીંની વખારમાં શૂટ થયો હતો. હજી એ લાકડાંની વખાર એમ ને એમ જ છે.’

પ્રભાકર મુંડકરે યાદો વાગળતાં કહ્યું હતું કે ‘અમે લોકો શૂટિંગવાળાઓને અને એ જોવા આવનારા લોકોને તડબૂચ વેચીને નાની કમાણી કરી લેતા. ગબ્બર સિંહના સાગરીતો ટ્રેન લૂંટવાનો પ્રયાસ કરે છે ત્યારે ઠાકુર (સંજીવકુમાર) અને જય-વીરુ તેમને રોકે છે એ આખી ફાઇટ-સીક્વન્સ પનવેલ-ઉરણ રેલવેની ગુડ્સ ટ્રેનની લાઇન પર બાંબવી પાડા પાસે ફિલ્માવવામાં આવી હતી.’

શૂટિંગ માટે ગામનો સેટ પણ ત્યાં ઊભો કરવામાં આવ્યો હતો એમ જણાવતાં અન્ય એક ગામવાસી નરેશ ગિરકરે કહ્યું હતું કે ‘ક્લાઇમૅક્સમાં જ્યારે બસંતીને ડાકુઓ ઉપાડી જાય છે, વીરુ તેમની પાછળ જાય છે અને એક છોકરાને પૂછે છે કે કઈ બાજુ ડાકુ ગયા ત્યારે જે છોકરો દિશા ચીંધે છે તે ઓવળા ગામનો જ સ્થાનિક છોકરો હતો.’

ચંદ્રકાન્ત પાટીલે કહ્યું હતું કે ‘ક્લાઇમૅક્સમાં જે લાકડાના બ્રિજની સામસામે ગોળીઓની રમઝટવાળી ફાઇટ-સીક્વન્સ છે એ પણ અહીં જ બ્રિજ ઊભો કરીને શૂટ કરવામાં આવી હતી. હવે જોકે એ ૧૯૭૦-’૭૨નો માહોલ રહ્યો નથી. ઘણુંબધું બદલાઈ ગયું છે. સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO)એ અમારી જમીનો લઈ લીધી અને ત્યાં ઇન્ડસ્ટ્રીઓને આપી દેતાં એ પહાડો, ખીણ, ધોધ, ઝરણાં જેવું કુદરતી સૌંદર્ય બધું લુપ્ત થઈ ગયું છે. હવે અમે ફક્ત એ સમયની યાદોને વાગોળીએ છીએ.’

બીજી કઈ ફિલ્મો?

‘શોલે’ પછી ‘યાદોં કી બારાત’, ‘પાપી’ અને ‘નાસ્તિક’ ફિલ્મોના પણ કેટલાક સીન અહીં શૂટ કરવામાં આવ્યા હતા. મજાની વાત એ છે કે જે લોકોને આ વાતની ખબર પડે છે એ લોકો ‘શોલે’નાં ૫૦ વર્ષ પછી પણ શૂટિંગની એ જગ્યા જોવા હજી પણ ગામમાં આવી ચડે છે. વળી ગામના લોકોમાં પણ ‘શોલે’ના શૂટિંગની વાત અવારનવાર ચર્ચાતી રહી છે. 

sholay amitabh bachchan dharmendra hema malini navi mumbai uran mumbai mumbai news