એપીએમસીના વેપારી સાથે ૪૮ લાખ રૂપિયાની થઈ છેતરપિંડી

16 November, 2022 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મસાલા માર્કેટના વેપારી પાસેથી ૧૪,૦૦૦ કિલો સાકર અને ૧૨,૦૦૦ કિલો મેંદો ઉપરાંત બીજો માલ લઈ ગયા પછી આપેલા ચેકનું સ્ટૉપ પેમેન્ટ કરાવ્યું

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કોવિડની મહામારી પછી છેતરપિંડીના કેટલાક કેસ સામે આવતા થયા છે, જેમાં વેપારીનો વિશ્વાસ જીતવા માટે પહેલાં રોકડામાં વ્યવહાર કરવો અને ત્યાર બાદ મોટા પ્રમાણમાં માલ લઈને નાસી જવું. આવી જ રીતની છેતરપિંડી એપીએમસી મસાલા માર્કેટના એક વેપારી સાથે થઈ છે. પહેલા વ્યવહારમાં પેમેન્ટ તરત આપીને બીજા વ્યવહારમાં ૧૪,૦૦૦ કિલો સાકર, ૧૨,૦૦૦ કિલો મેંદા સહિત બીજો ૪૮ લાખ રૂપિયાનો માલ લઈ વેપારીને એની સામે ચેક આપીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટનાની ફરિયાદ એપીએમસી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

માટુંગામાં રહેતા અને એપીએમસી મસાલા માર્કેટમાં વિજયકુમાર ઍન્ડ કંપનીના નામે વ્યવસાય કરતા હિરેન શાહે કરેલી ફરિયાદ અનુસાર છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ સાકર, મેંદો, તેલ, રવો ઇત્યાદિ વસ્તુ વેચવાનો વ્યવસાય કરે છે. ઑગસ્ટ ૨૦૨૧માં ભિવંડીમાં વેસ્ટકોસ્ટ ઍગ્રો ફૂડ્સ નામની કંપની ચલાવતા હિતેશ ગૌતમે તેમની પાસેથી પહેલાં સાકર લીધી હતી, જેનું પેમેન્ટ સમય પર કરી દીધું હતું. એ પછી જાન્યુઆરીમાં ફરી એક વાર તેલ, સાકર જેવી વસ્તુઓ લઈ એનું પેમેન્ટ પણ સમય પર કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. ત્યાર બાદ ૨૦૨૨ની ૩થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન હિતેશ ગૌતમે ટ્રેડિંગ કરવાના બહાને ૪૭,૬૦,૭૬૧ રૂપિયાનો માલ લીધો હતો. આ તમામ માલ કુર્લા, ભિવંડી અને વિરાર વિસ્તારમાં ડિલિવરી કરવામાં આવ્યો હતો. એ પછી પેમેન્ટ તરીકે હિતેશે ૨૦ લાખનો ચેક આપ્યો હતો, જે બૅન્કમાં નાખતાં સ્ટૉપ પેમેન્ટ કરાવ્યું હોવાની જાણ થઈ હતી. એ પછી વધુ એક ચેક મે મહિનામાં આપવામાં આવ્યો હતો જે પણ સ્ટૉપ પેમેન્ટ કરાવવામાં આવ્યો હતો. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં હિરેન શાહે એપીએમસી પોલીસ સ્ટેશનમાં ઘટનાની ફરિયાદ કરી હતી.

એપીએમસી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મનિક નલાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. છેતરપિંડીના ગુનામાં અમારે પહેલાં આરોપીને નોટિસ મોકલવી પડતી હોય છે અને પછી તેની ધરપકડ કરવામાં આવે છે. આ કેસમાં અમે કામ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news Crime News mumbai crime news apmc market