ભાયખલા જેલમાં કોરોનાથી ૬ બાળક સહિત ૩૯ મહિલા કેદીઓ સંક્રમિત

27 September, 2021 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે એવામાં કેદીઓથી ખીચોખચ ભરેલી જેલમાં એકસાથે કોરોના પૉઝિટિવના ૩૯ કેસ સામે આવ્યા હતા.

ભાયખલા જેલમાં કોરોનાથી ૬ બાળક સહિત ૩૯ મહિલા કેદીઓ સંક્રમિત

ભાયખલામાં આવેલી મહિલાઓ અને બાળકો માટેની જેલમાં દસ દિવસમાં ૬ બાળક સહિત ૩૯ મહિલા કેદીની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવતાં પ્રશાસન ચોંકી ઊઠ્યું હતું. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે એવામાં કેદીઓથી ખીચોખચ ભરેલી જેલમાં એકસાથે કોરોના પૉઝિટિવના ૩૯ કેસ સામે આવ્યા હતા. સંક્રમિત કેદીઓને જેલ નજીકની સ્કૂલ ખાતેના કોવિડ સેન્ટરમાં સારવાર માટે મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈ અને આસપાસની જેલોમાં ક્ષમતા કરતાં અનેકગણા કેદીઓ હોવાથી કોઈ એકને કોરોનાનું સંક્રમણ થાય તો આ વાઇરસ ઝડપથી બીજાઓને ચેપ લગાવી શકે એવી સ્થિતિ છે. દોઢ વર્ષમાં મુંબઈ સહિત રાજ્યની કેટલીક જેલોમાં કેદીઓને કોવિડનું સંક્રમણ થવાની ઘટના બની હતી. એની વચ્ચે છેલ્લા દસ દિવસમાં મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ભાયખલા જેલના કેદીઓની કોવિડ ટેસ્ટ કરાઈ હતી.
મહાનગરપાલિકાના એક અધિકારીના જણાવ્યા મુજબ ટેસ્ટમાં એક બે નહીં પણ ૩૯ મહિલા કેદીઓ કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. આમાં ૬ બાળકોનો પણ સમાવેશ છે. જેમની ટેસ્ટ પૉઝિટિવ આવી છે તેમને કોવિડ સેન્ટરમાં સારવાર માટે ઍડ્‌મિટ કરાઈ છે, જ્યારે જેલના બાકીના કેદીઓને ક્વૉરન્ટીન કરાયા છે. સંક્રમિતોમાં એક પ્રેગ્નન્ટ મહિલા પણ છે, જેને સાવચેતી ખાતર જી. ટી. હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સમયાંતરે જેલના કેદીઓની કોવિડ ટેસ્ટ હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે બે-ચાર કેદીઓની ટેસ્ટ પૉઝિટિવ આવે છે, પરંતુ એકસાથે ૩૯ કેદીને કોરોનાનું સંક્રમણ થવાથી પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. છેલ્લા ૧૦ દિવસમાં ભાયખલા જેલની ૧૨૦ કેદીની કોવિડ ટેસ્ટ કરાઈ હતી. 
દરમ્યાન, મુંબઈ મહાનગરપાલિકાના ‘ઈ’ વૉર્ડના હેલ્થ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે મુંબઈ બીએમસીના દરરોજના બુલેટિનમાં જેલને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી હોવાની વાત ખોટી છે. 

Mumbai mumbai news byculla