07 June, 2025 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાયગડમાં શિવપ્રેમીઓનો જલ્લોષ
હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી એ માટે ઝઝૂમીને મોગલોને હંફાવનાર શિવાજી મહારાજના રાજ્યાભિષેકને ગઈ કાલે ૩૫૧ વર્ષ થયાં હતાં. ૧૬૭૪ની ૬ જૂને તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તેઓ છત્રપતિ કહેવાયા હતા. ગઈ કાલે આ પ્રસંગે તેમની રાજધાની એવા રાયગડ કિલ્લા પર ધામધૂમથી તેમના રાજ્યાભિષેકની યાદ તાજી કરવામાં આવી હતી. ઢોલનગારાં, મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે ગઈ કાલે તેમના રાજ્યાભિષેકનો પ્રસંગ પાર પાડવામાં આવ્યો હતો. સમાજના દરેક થરના અંદાજે ૮૦,૦૦૦ લોકોએ એમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અખિલ ભારતીય શિવ રાજ્યાભિષેક ઉત્સવ સમિતિ દુર્ગરાજ રાયગડ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું હતું. કિલ્લા રાયગડ ઑથોરિટીના અધ્યક્ષ અને શિવાજીના વંશજ સંભાજી છત્રપતિ અને શહાજી રાજે પણ રાયગડ કિલ્લા પર હાજર રહ્યા હતા.
બે દિવસ ચાલેલા આ પ્રસંગની શરૂઆત રાયગડની તળેટીમાં આવેલાં ૨૧ ગામના રહેવાસીઓ દ્વારા ગુરુવારે બપોરે ગઢપૂજનથી થઈ હતી. એ પછી શિરકાઈ દેવીના મંદિરમાં ગોંધળ (ભજન) અને એ પછી જગદીશ્વર મંદિરમાં કીર્તન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી આવેલા શિવાજીના સમર્થકોમાંથી કેટલાક યુવાનોએ બહાદુરી દર્શાવતાં કરતબ કર્યાં હતાં અને ગુરુવારે રાતે છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરીને તેમના માનમાં શાહિરોએ પોવાડા એટલે કે દેશભક્તિને ઉજાગર કરતા ખાસ પ્રકારનાં ગીત ગાયાં હતાં.