સોશ્યલ મીડિયા પર ફોટો મૂકતાં પહેલાં આ વાંચી લેજો

22 November, 2022 11:34 AM IST  |  Mumbai | Mehul Jethva

સોશ્યલ મીડિયા પરથી લીધેલા ફોટોને મૉર્ફ કરી વાઇરલ કરવાની ધમકી આપી સી. પી. ટૅન્કમાં રહેતા ૨૪ વર્ષના સ્ટુડન્ટ પાસેથી સાઇબર ગઠિયાએ ૨૨,૫૦૦ રૂપિયા પડાવી લીધા

પ્રતીકાત્મક તસવીર

સાઇબર ગઠિયાઓ નવી-નવી મોડસ ઑપરૅન્ડી અપનાવી નાગરિકો સાથે છેતરપિંડી કરતા હોય છે, જેમાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સોશ્યલ મીડિયા પરથી ફોટો લીધા પછી એને મૉર્ફ કરી વાઇરલ કરવાની ધમકી આપી સી. પી. ટૅન્કમાં રહેતા ૨૪ વર્ષના સ્ટુડન્ટ પાસેથી ૨૨,૫૦૦ રૂપિયા સાઇબર ગઠિયાએ પડાવ્યા હતા, જે પછી વધુ ૪૮,૦૦૦ રૂપિયાની માગણી કરવામાં આવતાં તેણે ઘટનાની જાણ પરિવારને કરતાં તેઓ દ્વારા એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.સી. પી. ટૅન્ક વિસ્તારમાં રહેતો અને પુણેની એક ઇન્સ્ટિટ્યૂટમાં મૅનેજમેન્ટના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો ૨૪ વર્ષના રાહુલ શાહે (નામ બદલ્યું છે) કરેલી ફરિયાદ અનુસાર ‘૧૯ નવેમ્બરે સવારે જ્યારે તે ઘરે હતો ત્યારે ગૌરવ મલ્હોત્રા નામના યુવકનો ફોન આવ્યો હતો, જેણે પોતાની ઓળખ દિલ્હી સાઇબર ક્રાઇમના અધિકારી તરીકે આપી હતી. તેણે મને કહ્યું હતું કે તારો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને એના માટે તારા પર કાર્યવાહી થઈ શકે છે, એમ કહેતાં મેં વિડિયો જોવા માગ્યો હતો. તરત ગૌરવે વિડિયો વૉટ્સઍપ કર્યો હતો જેમાં મારું માત્ર મોઢું લગાડ્યું હતું. એકાએક આવેલો પોતાનો મૉર્ફ વિડિયો જોઈ ડરી જતાં કાર્યવાહી અટકાવવા માટેની માગણી મેં કરી હતી, જેનો ફાયદો ઉપાડી ગૌરવે મને એક યુવકનો નંબર આપી કહ્યું હતું કે આ યુવક યુટ્યુબમાં કામ કરે છે. જેને ફોન કરતાં તેણે વિડિયો ડિલિટ કરવા માટે ૨૨,૫૦૦ રૂપિયાની માગણી કરી હતી. વિડિયો ડિલિટ કરાવવા માટે મેં પોતાની બધી સેવિંગ્સ તેને આપી દીધી હતી. એ પછી થોડી વારમાં પાછો તે યુવકનો ફોન આવ્યો હતો, જેણે મને કહ્યું હતું કે તારા બે વિડિયો વધુ વાઇરલ થયા છે, જેને ડિલિટ કરવા માટે ૪૮,૦૦૦ રૂપિયા આપવા પડશે. પોતાની પાસે પૈસા ન હોવાથી અને એકાએક થયેલી ઘટનાથી ગભરાઈને મેં મારા પરિવારને જાણ કરી હતી. એ પછી એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.’

એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ અમે નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ફરિયાદી યુવકનો ફોટો સોશ્યલ મીડિયા પરથી લઈ એને મૉર્ફ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સમજાય છે.’ 

mumbai mumbai news Crime News mumbai crime news mehul jethva