13 November, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુવતીની છેડતી કરી ટ્રેનમાંથી ધક્કો મારનારો જિતેન્દ્ર હીરમુખે
બોરીવલીથી વિરાર જઈ રહેલી ટ્રેનમાં આખા મુંબઈને હચમચાવી નાખનારી અને લોકલ ટ્રેનમાં મહિલા સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થચિહ્ન ઊભો કરનારી ઘટના સામે આવી હતી. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારી ૨૦ વર્ષની યુવતીને બિન્દાસ કોઈના ડર વગર ટ્રેનના કોચમાં એક નરાધમે વારંવાર અણછાજતો સ્પર્શ કરીને તેની છેડતી કરી હતી. આ ઘટના મહિનાની શરૂઆતમાં ૪ નવેમ્બરે બની હતી જેની માહિતી હવે જાહેર કરવામાં આવી હતી. જોકે છેડતી કરનારાનો વિરોધ કરનારી યુવતીએ આવા કામુક લોકો સામે અવાજ ઉઠાવવાની કિંમત તેનો હાથ ગુમાવીને કરવી પડી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જોકે સેંકડો લોકો વચ્ચે બનેલી આ ઘટનાના કારણે મહિલાઓની સુરક્ષા વિશે ફરી ચર્ચા જાગી છે.
ઘટનાની વિગત મુજબ યુવતી બોરીવલીથી વિરાર જતી ટ્રેનમાં સાંજના સમયે પ્રવાસ કરી રહી હતી ત્યારે ટ્રેનમાં ભીડ હોવાથી તે હૅન્ડિકૅપ્ડ કોચમાં ચઢી ગઈ હતી. જોકે આ કોચમાં પ્રવાસ કરી રહેલો ૫૩ વર્ષનો આરોપી જિતેન્દ્ર હીરમુખે તેને વારંવાર શારીરિક સ્પર્શ કરી રહ્યો હતો. હેબતાયેલી યુવતીએ કોચમાં જ તેનો વિરોધ કર્યો હતો છતાં બેશરમ જિતેન્દ્રએ પોતાની હરકતો શરૂ જ રાખી હતી જેને પગલે નાયગાંવ સ્ટેશન આવતાં યુવતી ટ્રેનમાંથી નીચે પ્લૅટફૉર્મ પર ઊતરી ગઈ હતી. યુવતીની પાછળ-પાછળ જિતેન્દ્ર પણ ઊતર્યો હતો અને તેની છેડતી ચાલુ રાખી હતી જેથી યુવતીએ ચંપલ કાઢીને જિતેન્દ્રને ફટકાર્યો હતો અને જિતેન્દ્રએ પણ સામે હાથ ઉગામ્યો હતો. ત્યાર બાદ બન્ને વચ્ચે ગાળાગાળી પણ થઈ હતી. એટલેથી ન અટકતા જિતેન્દ્રએ તેને ધક્કો માર્યો હતો અને યુવતી ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. તે પાછી ઉપર ચડવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે જ ટ્રેન ઊપડી હતી અને તેનો હાથ ટ્રેનનાં પૈડાં નીચે આવી ગયો હતો જેને પગલે તેના ડાબા હાથનો કોણી નીચેનો આખો હાથ કાપી નાખવો પડ્યો હતો અને માથામાં પણ ટાંકા આવ્યા હતા.
મારું આખું જીવન રોળાઈ ગયું, મને ન્યાય આપો
યુવતીએ આપેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે ‘મને ન્યાય જોઈએ છે. મારું આખું જીવન બરબાદ થઈ ગયું છે. મારું ઘર ચલાવનારી હું એકલી જ હતી. હવે એક હાથથી હું કંઈ નહીં કરી શકું. મારા માથામાં પણ ૧૬ ટાંકા આવ્યા છે. મને ન્યાય જોઈએ છે. હું જલદી સાજી થઈ જાઉં એ માટે પ્રાર્થના કરો. તેને સજા મળવી જોઈએ.’
આરોપી મોં પર રૂમાલ ઢાંકીને ભાગ્યો પણ પોલીસના હાથમાં આવી ગયો
આ ઘટના બાદ ઓળખ ન થાય એ માટે આરોપી જિતેન્દ્ર હીરમુખે પોતાની ઓળખ ન થાય એ માટે મોં પર રૂમાલ ઢાંકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે ભાઈંદર રેલવે-પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે તેની ઓળખ કરી ધરપકડ કરી હતી. ગોરેગામની એક કંપનીમાં સામાન ઊંચકવાની મજૂરીનું કામ કરતા આરોપીની પોલીસે ૯ નવેમ્બરે ધરપકડ કરી હતી.