06 January, 2026 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગોરેગામ-પૂર્વમાં ઇન્દોર જેવી પાણી દુર્ઘટના સર્જાય એવી પરિસ્થિતિ જોવા મળી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) જે પાણી સપ્લાય કરે છે એ પાણી પીવાથી ૨૦ લોકો બીમાર પડ્યા હતા એટલે BMC દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી દૂષિત હોવાની ફરિયાદ ઊઠી છે.
ઉમિયાનગરના બિલ્ડિંગ નંબર બેમાં ૫૬ ફ્લૅટ છે જેમાં ૨૬ ડિસેમ્બરના રોજ આ સમસ્યા ઊભી થઈ હતી. રહેવાસીઓને નળમાંથી દુર્ગંધ અને ગંદું પાણી મળ્યું હતું. કેટલાક પરિવારોએ તરત જ પાણીની બૉટલો મગાવીને એનો ઉપયોગ કર્યો હતો તો કેટલાકે પાણી ઉકાળીને ઉપયોગમાં લીધું હતું. જોકે એ પછી બીજા દિવસથી ઓછામાં ઓછા ૧૫-૨૦ લોકોને પેટમાં ગંભીર દુખાવો, ઊબકા, ઊલટીની તકલીફ થઈ હતી.
એક રહેવાસીની હાલત કથળતાં તેને જોગેશ્વરીની હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ત્યાં તેને ડીહાઇડ્રેશનનો સામનો કરવા માટે સેલાઇન અને ગ્લુકોઝ ચડાવવા પડ્યાં હતાં.
સ્થાનિક લોકોનું કહેવું હતું કે ગટરની લાઇન જર્જરિત થઈ ગઈ હોવાથી BMCની કાટ ખાઈ ગયેલી પીવાના પાણીની પાઇપલાઇનમાં લીક થઈ શકે છે. કાટને કારણે અથવા ગેરકાયદે ખોદકામને કારણે સમાંતર લગાડેલી પાઇપ એકબીજામાં લીક થાય છે.
ગોરેગામ-પૂર્વ માટે આ કોઈ નવી વાત નથી. અહીંના રહેવાસીઓ જોગેશ્વરી-ગોરેગામ લિન્ક રોડ અને ઑબેરૉય એસ્ટેટ નજીક અગાઉ બનેલી ઘટનાઓ યાદ કરે છે જ્યાં ચોમાસામાં પાઇપને નુકસાન થવાથી લોકોએ દુર્ગંધયુક્ત પાણી પીધા પછી પેટની બીમારી થઈ હતી.
BMC હેલ્પલાઇન (૧૯૧૬) દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના જવાબમાં પી સાઉથ વૉર્ડના એન્જિનિયરે પરિસરની મુલાકાત લઈને ઇન્સ્પેક્શન કર્યું હતું, પરંતુ તેણે એવો રિપોર્ટ આપ્યો હતો કે મુલાકાત સમયે પાણી સ્વચ્છ અને ગંધહીન લાગતું હતું. આનાથી રહેવાસીઓ ગુસ્સે ભરાયા છે. એક રહેવાસીએ કહ્યું હતું કે અમે સતત ભયમાં જીવીએ છીએ. અમે ટૅક્સ ચૂકવીએ છીએ છતાં અમારાં બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે, કારણ કે સપ્લાય થઈ રહેલું પાણી અમને બીમાર કરી રહ્યું છે.’