12 August, 2025 06:59 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
દિલીપ પારુલકરનું નિધન
૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં નાયક તરીકે ઊભરી આવેલા ગ્રુપ-કૅપ્ટન દિલીપ કમલાકર પારુલકરનું ગઈ કાલે પુણેમાં નિધન થયું હતું. પાકિસ્તાન સાથેનાં બન્ને યુદ્ધમાં તેમણે અભૂતપૂર્વ વીરતા અને સાહસ દાખવ્યાં હતાં જેની આજ સુધી ચર્ચા ચાલે છે.
માર્ચ ૧૯૬૩થી તેઓ ભારતીય વાયુદળમાં સેવારત થયા હતા. ૧૯૬૫ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમ્યાન તેમના વિમાન પર હુમલો થયો હતો, જેમાં વિમાન ક્ષતિગ્રસ્ત થયું હતું અને પારુલકર પણ જખમી થયા હતા. તેમના જમણા ખભા પર ગંભીર ઈજા થઈ હતી. ત્યારે તેમને તેમના વડા તરફથી સૂચના આપવામાં આવી હતી કે ઇજેક્ટ કરીને એટલે કે પૅરૅશૂટ લઈને તેઓ કૂદી જાય, પણ તેઓ ક્ષતિગ્રસ્ત ઍૅરક્રાફ્ટ ઉડાડીને બેઝ પર પરત લઈ આવ્યા હતા. આ સાહસ માટે તેમને વાયુસેનાનું મેડલ પણ મળ્યું હતું.
દિલીપ પારુલકરને વિશિષ્ટ સેના-મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્રણ સાથીઓ સાથે મળીને મહિનાઓ સુધી સુરંગ ખોદી
૧૯૭૧માં પારુલકર વિંગ કમાન્ડર હતા. આ યુદ્ધમાં તેઓ પાકિસ્તાનના સૈન્યના હાથે પકડાઈ ગયા હતા. ત્યાં તેમને રાવલપિંડી પાસે યુદ્ધબંદીઓ માટેની શિબિરમાં રાખવામાં આવ્યા હતા. જોકે તેમણે કેદમાં બેસી રહેવાને બદલે આઝાદીનો માર્ગ જાતે તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. પારુલકરના નેતૃત્વમાં બીજા બે સાથીઓ સાથે મળીને મહિનાઓ સુધી લાંબી સુરંગ બનાવી હતી અને ૧૯૭૨ની ૧૩ ઑગસ્ટે એ સુરંગના માર્ગે પાકિસ્તાની કેદમાંથી ભાગી છૂટ્યા હતા.