10 November, 2026 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં રવિવારે રાત્રે ફટાકડા ફોડવા બાબતે થયેલા વિવાદમાં ૧૯ વર્ષના એક યુવાન પર જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં જુહુ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક સગીરને તાબામાં લીધો છે. હુમલામાં જીવ ગુમાવનાર યુવાનની ઓળખ ૧૯ વર્ષના શુભંકર મુખિયા તરીકે થઈ છે.
ઘટનાની વિગતો આપતાં જુહુ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે આશરે ૧૧ વાગ્યે શુભંકર મુખિયા તેના મિત્રો સાથે જુહુ બીચ તરફ જઈ રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતી વખતે તેમનામાંથી કોઈએ એક મોટરસાઇકલ નજીક ફટાકડો ફોડ્યો હતો, જેને પગલે બાઇકસવાર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ત્યાર બાદ બાઇકસવારે પોતાના અન્ય બે સાથીઓને સ્થળ પર બોલાવી લીધા હતા. આ ત્રણેય જણે ભેગા મળીને શુભંકર અને તેના મિત્રો પર હિંસક હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શુભંકરનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના એક મિત્રને પણ ગંભીર ઈજા થઈ હતી.
આ ઘટના વિશે હત્યાનો ગુનો નોંધીને જુહુ પોલીસે તપાસ માટે જુદી-જુદી ટીમો બનાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં તપાસ હાથ ધરીને વિલે પાર્લે (વેસ્ટ)ના નેહરુનગરમાં રહેતા ૨૩ વર્ષના રાહુલ મંડલ અને બાવીસ વર્ષના રવિકુમાર દેવેન્દ્રની ધરપકડ કરી છે, જ્યારે એક સગીરને અટકમાં લીધો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.